News of Wednesday, 13th May 2026
મોંઘવારીનો વધુ એક ડામ? જો ક્રૂડ $100ને પાર કરશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થશે, RBI ગવર્નર અને પેટ્રોલિયમ મંત્રીના મોટા સંકેત
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગમાં તેલના ભાવ ઉકળ્યા: તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન, 5 જૂનની RBI બેઠક પર સૌની નજર

નવી દિલ્હી, તા.૧૩: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડવાની તૈયારીમાં છે. આરબીઆઈ (RBI) ગવર્નર સંજય મલ્હોત્રાએ ચેતવણી આપી છે કે જો ઈરાન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ લાંબો ચાલશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે ભારતને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની ફરજ પડી શકે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં એક કોન્ફરન્સ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે ઉર્જાની વધતી કિંમતો ફુગાવાના લક્ષ્યાંક માટે મોટો પડકાર બની રહી છે.
તેલ કંપનીઓની હાલત કફોડી: રોજનું ₹1,000 કરોડનું નુકસાન
બીજી તરફ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ સ્વીકાર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $100ને વટાવી ગયું હોવા છતાં દેશમાં હજુ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આને કારણે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ દરરોજ અંદાજે ₹1,000 કરોડનું નુકસાન વેઠી રહી છે. જૂનના ચાલુ ક્વાર્ટરમાં જ તેલ કંપનીઓનું કુલ નુકસાન ₹1 લાખ કરોડ સુધી પહોંચવાની ભીતિ છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું છે કે દેશમાં હાલમાં 76 દિવસની માંગ જેટલો ક્રૂડ સ્ટોક અને પૂરતો LPG જથ્થો ઉપલબ્ધ છે.
5 જૂને RBI લેશે વ્યાજ દર પર મોટો નિર્ણય
આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે ઇંધણના ભાવમાં વધારો હવે માત્ર "સમયની વાત" છે. જો પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે તો પરિવહન ખર્ચ વધશે અને તેનાથી સીધી રીતે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધશે. આગામી 5 જૂને RBIની નાણાકીય નીતિની બેઠક મળવાની છે, જેમાં વ્યાજ દરો (રેપો રેટ) અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં રેપો રેટ 5.25 ટકા પર સ્થિર છે, પરંતુ જો મોંઘવારી વધશે તો RBIએ કડક વલણ અપનાવવું પડી શકે છે.
ભારતની આયાત પર નિર્ભરતા અને પડકારો
ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 88 ટકા જેટલી આયાત કરે છે. વૈશ્વિક સ્તરે થતી કોઈ પણ ઉથલપાથલની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડે છે. તેલ કંપનીઓએ પુરવઠો જાળવી રાખવા માટે LPGનું ઉત્પાદન વધારીને 56,000 ટન કર્યું છે, પરંતુ અંડર-રિકવરી એટલે કે પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોવાને કારણે તિજોરી પર ₹1.98 લાખ કરોડનો બોજ વધી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર સામાન્ય જનતાને આ આંતરરાષ્ટ્રીય આંચકાથી કઈ રીતે બચાવે છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
