તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
શું પાકિસ્તાનના નકશામાંથી બલુચિસ્તાન ગાયબ થશે? સોશિયલ મીડિયા પર ધ્વજ, રાષ્ટ્રગીત અને ‘બલોચી ફલ્લુસ’ ચલણ વાયરલ
પાકિસ્તાની આર્મીની બર્બરતા સામે બલોચ વિદ્રોહીઓએ પ્રતીકાત્મક રીતે નવા દેશની જાહેરાત કરતા ઇસ્લામાબાદમાં ફફડાટ : જ્યારે સૈન્ય કાફલા પરના ભીષણ હુમલામાં ૪૫ થી વધુ જવાનો ઠાર થતાં સ્થિતિ વણસી

ક્વેટા: પાકિસ્તાન ભલે કાશ્મીરના રાગ આલાપવામાં મશગૂલ હોય, પરંતુ તેનો પોતાનો જ પશ્ચિમી હિસ્સો એટલે કે બલુચિસ્તાન હવે તેના હાથમાંથી સંપૂર્ણપણે સરકી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ડિજિટલ સ્પેસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બલોચ સ્વતંત્રતા સેનાનીઓ અને સક્રિય કાર્યકરો દ્વારા એક સનસનાટીપૂર્ણ દાવો કરવામાં આવી રહ્યો છે કે "બલુચિસ્તાન પ્રજાસત્તાક" સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી ચૂક્યું છે. ઇસ્લામાબાદની ઊંઘ ઉડાડી દે તેવા આ અહેવાલોમાં દાવો કરાયો છે કે બલુચિસ્તાને પાકિસ્તાની વહીવટીતંત્રને ફગાવીને પોતાનો નવો રાષ્ટ્રીય ધ્વજ, સત્તાવાર રાષ્ટ્રગીત "મા ચૂકૈન બલોચની" અને "બલોચી ફલ્લુસ" નામનું નવું ચલણ પણ લોન્ચ કરી દીધું છે. મીર યાર બલોચ જેવા સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા શેર કરાયેલી આ પ્રતીકાત્મક ચલણની તસવીરોએ પાકિસ્તાની સૈન્ય હાઈકમાન્ડમાં દોડધામ મચાવી દીધી છે.
જોકે, વૈશ્વિક રાજદ્વારી સ્તરે આ દાવાઓની કાનૂની પરિસ્થિતિ તદ્દન અલગ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) કે ભારત સહિત વિશ્વના કોઈ પણ સાર્વભૌમ દેશે હજુ સુધી બલુચિસ્તાનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સત્તાવાર માન્યતા આપી નથી, જેના કારણે આ નવી કરન્સી ‘બલોચી ફલ્લુસ’ નું વૈશ્વિક બજારમાં કોઈ કાયદેસર મૂલ્ય કે વિનંતી દર નક્કી થઈ શક્યો નથી. માનવાધિકાર કાર્યકર્તા મહરંગ બલોચ અને અન્ય વિશ્લેષકોના મતે, ભલે આ પ્રતીકોને સત્તાવાર માન્યતા ન મળી હોય, પરંતુ તે પાકિસ્તાની હુકુમત સામે બલોચ જનતાના તીવ્ર આક્રોશ અને સંપૂર્ણ અસહકારનું એક શક્તિશાળી અને પ્રતીકાત્મક એલાન છે, જેને દબાવવું હવે પાકિસ્તાન માટે અશક્ય બની ગયું છે.
આ ડિજિટલ બળવા પાછળ બલુચિસ્તાનની ધરતી પર વહેતું લોહી અને સૈન્ય સંઘર્ષ જવાબદાર છે. ગ્રાઉન્ડ ઝીરો પર સુરક્ષાની સ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બની ચૂકી છે, જ્યાં બલોચ લિબરેશન આર્મી એ માસ્તુંગ જિલ્લામાં પાકિસ્તાની લશ્કરી કાફલાને નિશાન બનાવીને આશરે ૪૫ થી વધુ પાકિસ્તાની સૈનિકોને મોતના ઘાટ ઉતાર્યાનો દાવો કર્યો છે. આ સિવાય ચીનની અબજો ડોલરની સીપીઇસી યોજનાના કેન્દ્ર સમાન ગ્વાદર જિલ્લામાં પણ કોસ્ટ ગાર્ડ કેમ્પ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ ભૌગોલિક અને સૈન્ય પરિસ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે કે પાકિસ્તાન હવે આંતરિક ગૃહયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે અને બલુચિસ્તાન તેની પકડમાંથી મુક્ત થવા તરફ ડગ માંડી રહ્યું છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
