News of Saturday, 12th September 2026
શું AI ડેટા સેન્ટર્સ વૈશ્વિક નાણાકીય કટોકટીનું કારણ બનશે? ₹૬.૨૭ લાખ કરોડના કેટ બોન્ડ માર્કેટ અને વિરાટ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે ઊભા થયેલા મોટા જોખમ અંગે ચોંકાવનારો ખુલાસો
એક જ હાઇપરસ્કેલ ડેટા સેન્ટર કેમ્પસનું વીમાકૃત મૂલ્ય વૈશ્વિક કેટ બોન્ડ બજારના ૪૫ ટકા સુધી પહોંચ્યું: કુદરતી આપત્તિ કે સાયબર હુમલો સમગ્ર વીમા અને બેંકિંગ ક્ષેત્રને હચમચાવી શકે છે

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ક્રાંતિના યુગમાં યુનાઇટેડ સ્ટેટ્સ સહિત સમગ્ર વિશ્વમાં વિશાળકાય હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. બહારથી આ ડેટા સેન્ટર્સ ટેકનોલોજી અને એઆઈ પ્રગતિનો સૌથી મજબૂત આધાર સ્તંભ જણાય છે, પરંતુ CNBC ઇન્ટરનેશનલના એક તાજેતરના રિપોર્ટ મુજબ તેમની અંદર લાખો કરોડ રૂપિયાનું એવું અદ્રશ્ય જોખમ છુપાયેલું છે જે સમગ્ર વૈશ્વિક નાણાકીય બજાર અને વીમા ઉદ્યોગને મોટો આંચકો આપી શકે છે.
રિપોર્ટના આંકડા અનુસાર, એક જ હાઇપરસ્કેલ ડેટા સેન્ટર કેમ્પસમાં રહેલા અત્યાધુનિક AI ચિપ્સ, મોંઘા સર્વર્સ, કૂલિંગ સિસ્ટમ્સ અને પાવર બેકઅપનું વીમાપાત્ર મૂલ્ય આશરે ₹૧.૯૦ લાખ કરોડથી ₹૨.૮૫ લાખ કરોડ સુધીનું હોઈ શકે છે. તેની તુલનામાં, સમગ્ર વૈશ્વિક આપત્તિ બોન્ડ (CAT Bond) બજારનું કદ હાલમાં આશરે ₹૬.૨૭ લાખ કરોડ છે. આનો સીધો અર્થ એ થયો કે માત્ર એક જ ડેટા સેન્ટરનું મૂલ્ય સમગ્ર વૈશ્વિક બોન્ડ માર્કેટના એક તૃતીયાંશથી ૪૫ ટકા જેટલું છે. જો કોઈ વિસ્તારમાં વાવાઝોડું, પૂર, આગ, ભૂકંપ કે મોટો સાયબર હુમલો થાય તો એક જ ઘટના સમગ્ર વીમા ઉદ્યોગને નાદાર બનાવી શકે છે.
નિષ્ણાતોના મતે સૌથી મોટો ખતરો ‘એકત્રીકરણ જોખમ’ (Aggregation Risk) એટલે કે એક જ સ્થળે અતિશય સંપત્તિનું કેન્દ્રીકરણ છે. જો કોઈ એક જ ડેટા સેન્ટર ઠપ્પ થઈ જાય તો તેના પર નિર્ભર ઓનલાઈન બેંકિંગ, ઈ-કોમર્સ, એરલાઈન્સ, હોસ્પિટલો અને એઆઈ પ્લેટફોર્મ્સ સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે. મશીનોના નુકસાનની ગણતરી શક્ય છે, પરંતુ વ્યવસાય અટકવાથી થતા વૈશ્વિક નુકસાનનો અંદાજ લગાવવો અત્યંત મુશ્કેલ છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં આશરે ₹૧.૮૦ લાખ કરોડના કેટ બોન્ડ્સ જારી થઈ ચૂક્યા છે, છતાં ડેટા સેન્ટરોના વિરાટ જોખમને આવરી લેવા માટે આ બજાર હજુ સક્ષમ નથી.
બ્રુકમોન્ટ કેપિટલ મેનેજમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર એથન પોવેલના જણાવ્યા અનુસાર, ડેટા સેન્ટરના જોખમોને કવર કરવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા પ્રથમ કેટ બોન્ડ્સ આગામી ૧૨ થી ૧૮ મહિનામાં લોન્ચ થઈ શકે છે. જોકે સાયબર હુમલા અને વીજ આઉટેજ જેવા અણધાર્યા જોખમોનું સચોટ મૂલ્યાંકન કરવું વીમા કંપનીઓ માટે મોટો પડકાર છે. જો આ જોખમોનું યોગ્ય મોડેલિંગ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ટેકનોલોજી ક્ષેત્રનું આ નાણાકીય દબાણ બેંકિંગ અને શેરબજાર સુધી પહોંચીને નવી નાણાકીય કટોકટી સર્જી શકે છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
