News of Thursday, 30th July 2026
પતિદેવને કાફે-સ્ટાઇલ વાનગી પીરસવા બદલ પત્ની લે છે ₹1,000 નું બિલ: ગુરુગ્રામના આ વાયરલ કપલની અનોખી ‘ડીલ’થી સોશિયલ મીડિયા પર ઊભી થઈ ગરમાગરમ ચર્ચા!
“વાત પૈસાની નથી પરંતુ ગૃહિણીઓની અદ્રશ્ય મહેનતના સન્માનની છે”: ફેશન ડિઝાઇનરમાંથી ફૂડ ક્રિએટર બનેલી પ્રિયાએ ટ્રોલ્સને આપ્યો રોકડિયો જવાબ

ગુરુગ્રામ : ઘરકામ અને રસોઈ બનાવવા માટે સ્ત્રીઓની મહેનતને હંમેશાં ‘ગ્રાન્ટેડ’ લેવામાં આવતી હોય છે, પણ ગુરુગ્રામની એક કન્ટેન્ટ ક્રિએટરે આ પરંપરાને એક અનોખા અંદાજમાં બદલી નાખી છે. ગુરુગ્રામમાં રહેતી પ્રિયા નામની ફૂડ કન્ટેન્ટ ક્રિએટર તેના પતિ માટે જ્યારે પણ કાફે-સ્ટાઇલ કે કોઈ ખાસ સ્પેશિયલ વાનગી રાંધે છે, ત્યારે તેની પાસેથી રોકડા ₹1,000 વસૂલે છે. સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થતાં જ ઈન્ટરનેટ પર એક મોટો વિવાદ અને ચર્ચા જાગી ગઈ છે.
પ્રિયાના જણાવ્યા મુજબ, આ પરંપરા લગ્ન પછી મજાક-મજાકમાં શરૂ થઈ હતી. જ્યારે તેણે પોતાના આર્કિટેક્ટ પતિને કહ્યું કે કાફે જેવું સ્પેશિયલ ફૂડ બનાવવા પાછળ ખૂબ સમય, આયોજન અને મહેનત લાગે છે, તો તેના પતિએ આ વાતને ગંભીરતાથી લઈ તેને દર ખાસ ભોજન બદલ ₹1,000 આપવાનું શરૂ કરી દીધું. આ રીતે પ્રિયાને મહિને ₹15,000 થી ₹20,000 ની આવક થાય છે, જેને તે પોતાના અંગત ખર્ચમાં વાપરવાને બદલે ભવિષ્યમાં ફૂડ બિઝનેસ શરૂ કરવા માટે બચાવી રહી છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ "શું તમે પ્રેમની કિંમત વસૂલો છો?" કહીને પ્રિયાને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અનેક મહિલાઓ અને નેટિઝન્સે તેના આ વિચારને સમર્થન આપ્યું છે. પ્રિયાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ પતિ-પત્ની વચ્ચે હિસાબ રાખવાની વાત નથી, પરંતુ પરિવાર માટે સ્ત્રીઓ જે 'અદ્રશ્ય શ્રમ' (Unpaid labor) કરે છે તેના આદર અને સન્માનનું પ્રતીક છે. આ અનોખી પરંપરાએ કૌટુંબિક સંબંધો અને ગૃહિણીઓની મહેનતના મૂલ્ય અંગે સમાજમાં એક નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
