<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પત્‍ની વાળમાં કલર કરાવીને ઘરે આવીઃ પતિનો પિતો છટક્‍યોઃ આખો ચોટલો જ કાપી નાખ્‍યો!

ઉત્તર પ્રદેશના મેરઠથી પતિ-પત્‍નીના ઝઘડાનો ભયાનક મામલો સામે આવ્‍યો

મેરઠ,તા.૨૪: ઘણીવાર પતિ-પત્‍ની વચ્‍ચે સામાન્‍ય ઝઘડા થતા રહે છે, પણ ઉત્તર પ્રદેશના મેરઠથી પતિ-પત્‍નીના ઝઘડાનો ભયાનક મામલો ામે આવ્‍યો છે. જ્‍યાં પત્‍ની પોતાના વાળમાં કલર કરાવીને ઘરે આવતા પતિ લાલઘૂમ થઈ ગયો હતો અને તેણે પત્‍નીનો ચોટલો કાપી નાખ્‍યો હતો. હવે આ મામલો પોલીસ સ્‍ટેશન પહોંચતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેતી પરિણીતાએ લિસારી ગેટ પોલીસ સ્‍ટેશનમાં તેના પતિ રિહાન, સાસુ રોશન અને બે દિયર સાહિલ અને સોનું સામે ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્‍યું કે, આ તમામ તેના ચારિત્ર્ય પર શંકા કરીને તેને હેરાન કરતા હતા. પીડિતાના જણાવ્‍યા મુજબ, તેના લગ્ન લગભગ ૩ વર્ષ પહેલા સમર ગાર્ડનના રહેવાસી રિહાન સાથે થયા હતા અને તેના બે બાળકો છે.

વાળમાં કલર કરાવતા વિવાદ વધ્‍યો - તેનો આરોપ છે કે તેનો પતિ રિહાન તેના પર અન્‍ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા રાખે છે અને આ કારણે અવારનવાર તેની સાથે મારપીટ કરે છે. શનિવારે, જ્‍યારે તેણે વાળમાં કલર કરાવ્‍યો, ત્‍યારે તેનો પતિ ગુસ્‍સે થઈ ગયો હતો અને તેનો કાતરથી ચોટલો કાપી નાખ્‍યો હતો. એટલું જ નહીં તેણે સાસરિયાઓ સામે માર મારવાનો અને મોઢા પર એસિડ ફેંકવાની ધમકી આપવાનો આરોપ પણ લગાવ્‍યો છે.

મહિલાએ આરોપ લગાવ્‍યો છે કે, જ્‍યારે તેનો પતિ સાથે ઝઘડો થયો, ત્‍યારે તેના સાસરિયાઓએ તેના પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. ઝઘડાનો અવાજ સાંભળીને પડોશીઓએ પોલીસને બોલાવી હતી. પોલીસ સમયસર પહોંચી ગઈ એટલે તેનો જીવ બચી ગયો. તેણે ચારેય આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને પોલીસ સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે.

ઘટના વિશે વિગતો આપતા, પોલીસ અધિકારી સંગ્રામ સિહે જણાવ્‍યું કે સમર ગાર્ડનની એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ રિહાને તેની સાથે મારામારી કરી અને તેનો ચોટલો કાપી નાખ્‍યો. પીડિતાની લેખિત ફરિયાદ મળી ગઈ છે. આ મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

(10:04 AM IST)