<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

પ્રેમમાં આંધળી બનેલી પત્‍નીએ પતિને ટોઇલેટ ક્‍લીનરનું ઇન્‍જેક્‍શન આપી મોતને ઘાટ ઉતાર્યો

હોસ્‍પિટલની નળી વાટે એસિડ જેવું ઝેર શરીરમાં ઉતારી દીધું બિલ્‍ડિંગ પરથી ધક્કો મારવા છતાં પતિ બચી જતાં ક્રૂર પત્‍નીએ પ્રેમી સાથે મળીને રચ્‍યું ભયાનક કાવતરું

નિઝામાબાદ, તા.૭: તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં ક્રાઈમ પેટ્રોલની વાર્તાને પણ પાછળ છોડી દે તેવી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. વિદેશમાં કમાણી કરવા ગયેલા પતિના ઘેરહાજરીમાં પત્‍નીને અન્‍ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ ગેરકાયદેસર સંબંધોમાં પતિ કાંટો બનતો હોવાથી, પ્રેમમાં આંધળી બનેલી પત્‍ની સંધ્‍યા અને તેના પ્રેમી અનિલે ભેગા મળીને પતિ પ્રશાંતને હંમેશ માટે રસ્‍તામાંથી હટાવવાનો એક એવો ભયાનક પ્‍લાન બનાવ્‍યો જે સાંભળીને ભલભલા ધ્રૂજી ઊઠે.

હત્‍યાના પ્રથમ પ્રયાસમાં, પત્‍નીના સાગરીતે પ્રશાંતને પહેલા ફૂલ દારૂ પીવડાવ્‍યો અને ત્‍યારબાદ બિલ્‍ડિંગ પરથી નીચે ધક્કો મારી દીધો હતો. આ જીવલેણ હુમલામાં પ્રશાંતને ગંભીર ઈજાઓ થઈ હોવા છતાં તેનો જીવ બચી ગયો હતો. ઘાયલ પતિને સારવાર માટે હોસ્‍પિટલ લઈ જવાયો હતો, જ્‍યાં તેના હાથમાં મેડિકલ કેન્‍યુલા (ગ્‍લુકોઝ ચડાવવાની નળી) લગાવવામાં આવી હતી. પતિ જીવતો બચી જતાં ધૂંધવાયેલી પત્‍નીએ હાર ન માની અને ઘાતકીપણાની બધી હદો વટાવી દીધી.

પ્રેમી અનિલના ઇશારે સંધ્‍યાએ ઘરમાં સારવાર લઈ રહેલા પતિની એ જ હોસ્‍પિટલવાળી નળી (કેન્‍યુલા) મારફતે તેના શરીરમાં ટોઇલેટ ક્‍લીનર અને એનેસ્‍થેસિયાનું હાઇડોઝ ઇન્‍જેક્‍શન ઘુસાડી દીધું. ઝેરી એસિડ લોહીમાં ભળતાં જ પ્રશાંતનું કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું. પુત્રના રહસ્‍યમય મોતથી શંકા જતાં માતાએ પોલીસ ફરિયાદ કરી હતી, જેના આધારે ટેકનિકલ પુરાવા મેળવી પોલીસે આ ખૂની પત્‍ની અને તેના પ્રેમી સહિતના આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

(10:51 AM IST)