<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ટાઇગર શ્રોફ હુમલા કેસના આરોપીઓ શા માટે નેપાળ ભાગવાની ફિરાકમાં હતા? જાણો ભારતીય ભાગેડુઓ માટે કેમ ‘સેફ હેવન’ ગણાય છે આ પડોશી દેશ

ભારત-નેપાળ વચ્ચેની ૧૭૫૧ કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ, જટિલ કાનૂની પ્રત્યાર્પણ પ્રક્રિયા અને સ્થાનિક ગુનાહિત સિન્ડિકેટ્સનો આશરો બદમાશો માટે બને છે આશીર્વાદરૂપ.

મુંબઈ, તા.20: ભારતમાં કોઈ ગંભીર કે હાઇ-પ્રોફાઇલ ગુનો આચર્યા બાદ હુમલાખોરો કે બદમાશો પડોશી દેશ નેપાળ તરફ ભાગી છૂટવાનો પ્રયાસ કરે તે કઈ નવો બનાવ નથી. દેશની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ માટે આ દાયકાઓ જૂનો અને અત્યંત ગંભીર માથાનો દુખાવો રહ્યો છે. તાજેતરમાં મુંબઈના જુહૂ વિસ્તારમાં બનેલા ચર્ચિત ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસના શૂટર્સ પણ ટ્રેન માર્ગે નેપાળ સરહદે ભાગી જવાની પૂરતી ફિરાકમાં હતા, પરંતુ રાજસ્થાનની કોટા પોલીસે સમયસર કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા હતા.

ભારત અને નેપાળ વચ્ચે આશરે ૧૭૫૧ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે, જે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ એમ પાંચ રાજ્યોને સ્પર્શે છે. બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે ભારતીય નાગરિકો માટે વિઝા કે પાસપોર્ટની કડક જરૂરિયાત હોતી નથી. મુખ્ય સત્તાવાર ચેકપોસ્ટ્સ ઉપરાંત જંગલો, નદીઓ અને ખેતરોમાંથી પસાર થતા સેંકડો અનઓફિશિયલ રસ્તાઓનો ગેરલાભ ઉઠાવીને ગુનેગારો કોઈ પણ જાતના પેપરવર્ક વગર સરળતાથી સરહદ પાર કરી જાય છે.

ભારતીય પોલીસની યાદીમાં 'વોન્ટેડ' ઘોષિત થયેલા આ ગુનેગારો એકવાર નેપાળ પહોંચી જાય પછી ત્યાંની સ્થાનિક પોલીસના રેકોર્ડમાં તેમની સામે કોઈ ગુનો નોંધાયેલો હોતો નથી. આ કાયદાકીય છટકબારીનો પૂરો ફાયદો ઉઠાવીને ભાગેડુઓ નકલી દસ્તાવેજો અથવા સ્થાનિક સંપર્કોના આધારે ત્યાં સામાન્ય નાગરિક, વેપારી કે રોકાણકાર તરીકે પોતા ઓળખ બનાવી લે છે. કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાથી તેઓ મુક્તપણે ફરે છે અને ત્યાં સુરક્ષિત બેસીને જ ભારતમાં પોતાની ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે.

કોઈ ગુનેગાર સરહદ પાર કરી લે ત્યારબાદ તેને કાયદેસર રીતે ભારત પરત લાવવો અત્યંત પડકારજનક અને જટિલ બની જાય છે. બંને દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિઓ ખૂબ જ જૂની અને લાંબી પ્રક્રિયાઓથી ભરેલી છે. ભારતીય તપાસ એજન્સીઓએ ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસથી લઈને રાજદ્વારી ચેનલો સુધીની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેમાં મહિનાઓ કે વર્ષો નીકળી જાય છે. આ કાનૂની ઢીલનો સીધો ફાયદો ભાગેડુઓને મળે છે.

આ ઉપરાંત, નેપાળમાં સક્રિય સ્થાનિક ક્રાઈમ નેટવર્ક પૈસાના બદલામાં ભારતીય ભાગેડુઓને સંપૂર્ણ લોજિસ્ટિકલ સહયોગ પૂરો પાડે છે. આ સિન્ડિકેટ તેમને સુરક્ષિત આશરો, ભોજન, નકલી આઈડી પ્રૂફ અને સ્થાનિક વકીલોની મદદ પણ પૂરી પાડે છે. પરિણામે ગુનેગારોમાં એવો દ્રઢ વિશ્વાસ પેદા થાય છે કે એકવાર સરહદ ટપી ગયા પછી તેઓ ભારતીય પોલીસ અને કાનૂનની પહોંચથી જોજનો દૂર સુરક્ષિત થઈ જશે.

છેલ્લા કેટલાક સમયથી રાજદ્વારી અને વહીવટી તાલમેલમાં આવતા ઉતાર-ચઢાવની સીધી અસર ગ્રાઉન્ડ લેવલના પોલીસ સંકલન પર પણ જોવા મળી રહી છે. ભારતીય તપાસ અધિકારીઓને નેપાળી પોલીસ તરફથી તાત્કાલિક સહકાર મેળવવામાં વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસના શૂટર્સ પકડાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ભારત-નેપાળ સરહદ પરની ચુસ્ત સુરક્ષા અને ભવિષ્યમાં આવા ભાગેડુઓને રોકવા માટે કડક આંતરરાષ્ટ્રીય નીતિઓની જરૂરિયાતને સપાટી પર લાવી દીધી છે.

(4:22 PM IST)