<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

૨૪ વર્ષ પછી SIR શા માટે? નાગરિકોને પણ સવાલનો હક

ચૂંટણી પંચની કાર્યવાહી તેના બંધારણીય અને કાયદાકીય ઉદ્દેશ સાથે સુસંગત નથીઃ બોમ્‍બે હાઇકોર્ટ : નાગરિકો મત આપે તે સુનિશ્ચિત કરવું ECIની મુખ્‍ય ફરજઃ SIR દરમિયાન ફોર્મ-૮ નામંજૂર કરવાને બદલે પેન્‍ડિંગ રાખવા તાકીદ

પણજી,તા.૨: મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (SIR) અંગે મોટો રાજકીય વિવાદ ચાલે છે ત્‍યારે બોમ્‍બે હાઈકોર્ટે ગુરુવારે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે ચૂંટણી પંચની પ્રાથમિક ફરજ નાગરિકો મતદાન કરી શકે તે સુનિヘતિ કરવાની છે. ચૂંટણી પંચ મતદારોને વિવિધ સવાલો કરી શકે છે ત્‍યારે નાગરિકોને પણ એ સવાલ કરવાનો પૂરો અધિકાર છે કે દાયકાઓ પછી SIR જેવી કવાયત શા માટે હાથ ધરવામાં આવી છે.

મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં એક જ પરિવારના છ સભ્‍યોએ દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન ગોવા બેન્‍ચના ન્‍યાયમૂર્તિ વાલ્‍મિકી મેનેઝિસ અને ન્‍યાયમૂર્તિ અમિત એસ. જામસંદેકરની ખંડપીઠે જણાવ્‍યું હતું કે ચૂંટણી પંચની કાર્યવાહી તેના બંધારણીય અને કાયદાકીય ઉદ્દેશ સાથે સુસંગત નથી. હાઇકોર્ટ આ અરજી પર આગામી સુનાવણી ૫ ઓક્‍ટોબરે કરશે.

પરેશ સાલગાંવકર અને તેમના પરિવારે દાખલ કરેલી અરજી અનુસાર તેઓ સાન્‍ટા ક્રુઝ વિધાનસભા મતવિસ્‍તારમાં નવા મકાનમાં રહેવા ગયા હતાં. બૂથ લેવલ ઓફિસરે તેમને સરનામું બદલવા માટે ફોર્મ-૮ રજૂ કરવાની સૂચના આપી હતી. ફોર્મ પ્રોસેસ કરતી વખતે તેમના ઈલેક્‍ટર્સ ફોટો આઈડેન્‍ટિટી કાર્ડ (EPIC) અંગે કોઈ રેકોર્ડ મળ્‍યો નહોતો. તેના કારણે ફોર્મ-૮ નામંજૂર થયું હતું. આ પછી તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ચૂંટણી પંચના વકીલ ગૌરીશ અગ્નિએ સવાલ કર્યો હતો કે અરજદારો સ્‍થળાંતર અંગે અગાઉ સત્તાવાળાઓને જાણ કેમ કરી ન હતી. તેના જવાબમાં ખંડપીઠે કહ્યું હતું કે અરજદાર પણ સવાલ કરી શકે છે કે ૨૪ વર્ષ બાદ આ SIR શા માટે? તે ભારતનો નાગરિક છે. આ કવાયત અગાઉ કેમ ન હાથ ધરાઈ જો આવું કરાયું હોત તો સંખ્‍યા નિયંત્રિત કરી શકાઈ હોત. જો મતદાર યાદીને સતત અપડેટ કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હોત તો આવી વિસંગતતાઓ ઊભી જ ન થાત.

ન્‍યાયાધીશોએ કહ્યું હતું કે આ દોષારોપણની બાબત નથી. સત્તાવાળાઓ પાસે જન્‍મ અને મૃત્‍યુના રેકોર્ડ ઉપલબ્‍ધ હોય છે. તેથી મતદાર યાદી આપમેળે અપડેટ થવી જોઈએ અને કોઈ વ્‍યક્‍તિ ૧૮ વર્ષની થાય ત્‍યારે તેનું નામ મતદાર યાદીમાં સામેલ કરવાની પ્રક્રિયા થવી જોઈએ.

સુનાવણી વગર મતદારનાં નામ કાઢવાની સત્તા ક્‍યાંથી મળી? :કોર્ટનો વેધક સવાલ

ઓટોમેટિક નામ કમી કરવા અંગે ચિંતા વ્‍યક્‍ત કરતાં ખંડપીઠે સવાલ કર્યો હતો કે મતદારોને સાંભળવાની તક આપ્‍યા વગર તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની ચૂંટણી પંચના અધિકારીઓને સત્તા ક્‍યાંથી મળે છે. આ ધારામાંથી અમને બતાવો, તમારા અધિકારીઓ લાચાર અને તેમણે આ બધું સિસ્‍ટમ પર છોડી દીધું. અમે વિચારી રહ્યા છીએ કે આવા કેટલાં વધુ લોકો હશે જેઓ કોર્ટમાં નથી આવ્‍યા.

(10:39 AM IST)