<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

હૈદરાબાદની વિશ્વપ્રસિદ્ધ 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી' કેમ છે આટલી ખાસ? ૨૧૬ ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા માનવજાતને આપે છે અદભુત સમાનતાનો સંદેશ

૧૧મી સદીના મહાન ફિલસૂફ અને સમાજ સુધારક શ્રી રામાનુજાચાર્યને સમર્પિત છે આ અદ્ભુત સ્મારક; પંચલોહથી નિર્મિત આ ભવ્ય પ્રતિમા અને ૧૦૮ દિવ્ય દેશમની પ્રતિકૃતિઓ બને છે મુખ્ય આકર્ષણ

 

 

હૈદરાબાદ, તા.૦૨: આધ્યાત્મિકતા, ફિલસૂફી અને સામાજિક સમાનતાના પ્રતીક સમાન હૈદરાબાદની પ્રખ્યાત 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી' (સમાનતાની પ્રતિમા) એ ભારતના સૌથી અગ્રણી આધુનિક સ્મારકોમાંનું એક છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ ભવ્ય પ્રતિમાનો એક નવો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા બાદ તે ફરી એકવાર દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હૈદરાબાદના બહારના વિસ્તારમાં મુચિંતલ ખાતે આવેલી ૨૧૬ ફૂટ ઊંચી આ પ્રતિમા ૧૧મી સદીના મહાન ફિલસૂફ અને ધર્મશાસ્ત્રી શ્રી રામાનુજાચાર્યના જીવન અને વિચારોને સમર્પિત છે.

શ્રી રામાનુજાચાર્યની ૧,૦૦૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વર્ષ ૨૦૨૨ માં આ સ્મારકનું લોકકર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી ચિન્ના જિયર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ નિર્મિત આ વિશાળ સંકુલ પરંપરાગત ભારતીય સ્થાપત્યકળા અને આધુનિક એન્જિનિયરિંગનો ઉત્તમ સમન્વય સાધે છે.

સમાનતાની પ્રતિમા કેમ કહેવામાં આવે છે?

શ્રી રામાનુજાચાર્યને માનવજાતની સહજ સમાનતા અને સમ્માતના પ્રણેતા માનવામાં આવે છે. તેમણે જાતિ કે વર્ગભેદના સામાજિક અવરોધોને પડકારીને દરેક વ્યક્તિને આધ્યાત્મિક જ્ઞાન અને ભક્તિ કરવાનો અધિકાર અપાવ્યો હતો. આ પ્રતિમામાં રામાનુજાચાર્યજીને ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા દર્શાવાયા છે, જે સોના, ચાંદી, તાંબુ, જસત અને સીસાના પરંપરાગત મિશ્રણ એટલે કે 'પંચલોહ' થી બનેલી છે. તે વિશ્વમાં બેઠેલા વ્યક્તિની સૌથી ઊંચી પ્રતિમાઓમાં સ્થાન ધરાવે છે.

આ સંકુલમાં ૧૦૮ દિવ્ય દેશમ (શ્રી વૈષ્ણવ પરંપરાના પવિત્ર વિષ્ણુ મંદિરો) ની પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી છે, જે મંદિર સ્થાપત્ય અને જીવંત પૂજા પદ્ધતિને એકસાથે પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત, અહીં આવતા પ્રવાસીઓ માટે રામાનુજાચાર્યના જીવન અને ઉપદેશોને જીવંત કરતી ૩ડી હોલોગ્રાફિક પ્રસ્તુતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.

(3:40 PM IST)