તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
"સત્તા વિરોધી લહેર ગાયબ કેમ?": ચૂંટણી પ્રક્રિયા અને EC પર રાહુલ ગાંધીના આકરા પ્રહારો : દેશભરમાં રાજકીય ગરમાવો
લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધી અને ઇરાક-ઉત્તર કોરિયાના ઉદાહરણો આપી ભાજપ : કેન્દ્ર સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સામે ગંભીર સવાલો ઉઠાવ્યા : 'મતોની ચોરી'ને બંધારણ પર મોટો હુમલો ગણાવ્યો

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એક ધમાકેદાર પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર, બીજેપી અને ચૂંટણી પંચ EC સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. તેમણે સત્તાધારી પક્ષ સામે અચાનક ગાયબ થઈ ગયેલી 'સત્તા વિરોધી લહેર' અંગે ચોંકાવનારા સવાલો ઉઠાવતા દેશની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગોટાળા અને ધાંધલી થઈ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ૧૯૭૧ના બાંગ્લાદેશ વિજય પછીની લોકપ્રિયતા અને ત્યારબાદ સર્જાયેલી સત્તા વિરોધી લહેરનો ઉલ્લેખ કરતા રાહુલે પ્રશ્ન કર્યો હતો કે, દેશમાં દાયકાઓથી દરેક શાસક કે પ્રાદેશિક પક્ષો સામે જનતાનો અસંતોષ જોવા મળતો હતો, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ ભાજપ સામે આ લહેર અચાનક કેમ અદ્રશ્ય થઈ ગઈ? તેમણે આ પરિસ્થિતિની સરખામણી ઉત્તર કોરિયા અને સદ્દામ હુસૈનના ઇરાક સાથે કરીને રાજકીય વર્તુળોમાં મોટી સળવળાટ મચાવી દીધી છે.
રાહુલ ગાંધીએ પોતાના પ્રહારને વધુ તીવ્ર બનાવતા આરોપ લગાવ્યો કે દેશમાં માત્ર મતોની જ ચોરી નથી થઈ રહી, પરંતુ આ એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે જેના દ્વારા બંધારણ, કાયદાઓ અને દેશની તમામ બંધારણીય સંસ્થાઓને હાઇજેક કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે એક સામાન્ય નાગરિક મત આપે છે ત્યારે તે બંધારણમાં પોતાની શક્તિનું રોકાણ કરે છે, જેના આધારે કાયદા અને સંસ્થાઓ કાર્ય કરે છે. જો મત જ સુરક્ષિત ન હોય તો દેશનું બંધારણ, સંસદ અને ન્યાયતંત્ર અર્થહીન બની જાય છે. તેમણે આરોપ મૂક્યો કે મતોની ચોરી બાદ દેશના શિક્ષણ માળખા, અમલદારશાહી અને ન્યાયતંત્રમાં RSS સાથે સંકળાયેલા લોકોને બેસાડી દેવામાં આવ્યા છે, જે ભારતીય લોકશાહીના પાયા પર સીધો ઘા છે.
આ સાથે જ રાહુલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિમણૂક અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે પણ ગંભીર શંકાઓ વ્યક્ત કરી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં લાવવામાં આવેલા નવો કાયદો અને તે હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરને કાનૂની કાર્યવાહીમાંથી આપેલી મુક્તિ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીની બહુમતી વાળી સમિતિ દ્વારા ચૂંટણી કમિશનરની પસંદગી કરીને સંસ્થાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી છે. તેમણે હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોના ઉદાહરણો આપીને છેલ્લા ત્રણ વર્ષથી રજૂ કરેલા પુરાવાઓનો હવાલો આપ્યો હતો અને દાવો કર્યો હતો કે હવે ચૂંટણી પંચના જ સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ બાદ તેમના આરોપો સંપૂર્ણપણે સાચા સાબિત થઈ રહ્યા છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
