<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

"વિરાટ કોહલીની મદદ કેમ નથી લેતા?": દિલ્હી પ્રદૂષણ અને ફટાકડા પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટની સરકારને આકરી ફટકાર!

ફક્ત કાગળ પર આદેશો જારી કરવા એ હવે 'કંટાળાજનક કસરત' બની ગઈ છે : ગ્રીન ક્રેકર્સના નામે નકલી QR કોડ કૌભાંડ અને યુવાનોમાં જાગૃતિ માટે સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો ચુકાદો

નવી દિલ્હી:  દિલ્હી-એનસીઆરમાં દિવાળી પહેલાં ઝેરીલી હવાની ગુણવત્તા અને ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આકરા શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે માત્ર કાગળ પર આદેશો અને નિયમો જારી કરવા એ હવે કંટાળાજનક અને અર્થહીન પ્રથા બની ગઈ છે, કારણ કે લોકો આદેશોનું પાલન કરવા કરતાં તેનો ભંગ વધારે કરે છે. નવી પેઢી (Gen-Z) અને યુવાનોમાં પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, "તમે પ્રદૂષણ મુક્ત ભારતનો સંદેશ આપવા માટે વિરાટ કોહલી જેવા લોકપ્રિય અને 'મહાન' યુથ આઇકોન્સની મદદ કેમ નથી લેતા?" જો નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન મળશે, તો તેઓ પોતે જ પોતાના વાલીઓને ફટાકડા ફોડતા અટકાવશે.

કેસની સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરી અને તબીબોના અહેવાલોએ કોર્ટ સમક્ષ એક ભયાનક અને ચોંકાવનારૂં ચિત્ર રજૂ કર્યું હતું. સુનાવણીમાં ખુલાસો થયો હતો કે બજારમાં 'ગ્રીન ક્રેકર્સ' (લીલા ફટાકડા)ના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં સામાન્ય અને પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર નકલી QR કોડ ચોંટાડીને વેચવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ધૂમ્રપાન ન કરનારા સામાન્ય નાગરિકો અને નાના બાળકોના ફેફસાં પણ કાળા પડી રહ્યા છે. અરજદારોએ દાવો કર્યો હતો કે એક તરફ સરકાર નીતિઓ ઘડવા માટે સમય માગી રહી છે, તો બીજી તરફ બજારોમાં ફટાકડાનો ધૂમ પુરવઠો અને વેચાણ બેરોકટોક ચાલુ જ છે.

જોકે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ તહેવારોની ઉજવણી પર સંપૂર્ણ કે કાયમી પ્રતિબંધ મૂકવાની તરફેણમાં નથી, કારણ કે તહેવારો સમાજમાં સકારાત્મકતા અને ઉલ્લાસ લાવે છે. પરંતુ, નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવવાના અધિકાર સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં, તેથી નિયમોનું કડક નિરીક્ષણ અને અમલીકરણ અત્યંત જરૂરી છે. સરકારે ૧ નવેમ્બરથી નવી પ્રદૂષણ વિરોધી યોજનાઓ અને ૬૦૮ એન્ટી-સ્મોગ ગન તૈનાત કરવાનું વચન આપ્યું છે. હાલમાં સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, જેના પરથી નક્કી થશે કે આ દિવાળીએ દિલ્હી-એનસીઆરના આકાશમાં ફટાકડા ફૂટશે કે પછી કોર્ટનો આદેશ પ્રદૂષણ પર મોટો ધમાકો કરશે.

(9:59 PM IST)