<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

જે દળો સરહદ પર હોવા જોઈએ તે બંગાળની જનતા સામે કેમ?: અભિષેક બેનર્જીનો મુખ્ય ચૂંટણી કમિશનરને પડકાર-'ગમે તેટલી ફોર્સ ઉતારો, જીત તો તૃણમૂલની જ થશે'

ભવાનીપુરથી ચૂંટણી લડી રહેલા મમતા બેનર્જીએ પણ નિરીક્ષકો પર ભાજપના ઈશારે કામ કરવાનો અને આતંક ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો રાજકીય વિવાદ છેડાયો છે. 142 બેઠકો પર ચાલી રહેલા મતદાનમાં ચૂંટણી પંચે કેન્દ્રીય દળોની 2,321 કંપનીઓ તૈનાત કરી છે, જેના પર તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ આકરો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે જે પ્રકારે સેના જેવો ખડકલો કર્યો છે તે જોતા લાગે છે કે હવે બંગાળમાં બસ રાફેલ જેટ  અને આઈએનએસ યુદ્ધ જહાજો તૈનાત કરવાના જ બાકી રહી ગયા છે.

અભિષેક બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પડકાર ફેંકતા કહ્યું કે, "તમારે જેને ઉતારવા હોય તેને મેદાનમાં ઉતારો, અમે 2021 કરતા પણ વધુ બેઠકો જીતીશું." તેમણે આક્ષેપ કર્યો કે જે સુરક્ષા દળોની જરૂર પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ પર છે, તેનો ઉપયોગ બંગાળના નિર્દોષ મતદારોને ડરાવવા માટે થઈ રહ્યો છે. બીજી તરફ, ભવાનીપુરથી ચૂંટણી લડી રહેલા મમતા બેનર્જીએ પણ નિરીક્ષકો પર ભાજપના ઈશારે કામ કરવાનો અને આતંક ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

23 એપ્રિલના રોજ યોજાયેલી મતદાનની પ્રથમ તબક્કામાં, 93.19 ટકા મતદારોએ મતદાન કર્યું હતું, જે રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી વધુ મતદાન છે. 2021ની ચૂંટણીમાં, શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આ 142 બેઠકોમાંથી 123 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને ફક્ત 18 બેઠકો મળી હતી. ભારતીય ધર્મનિરપેક્ષ મોરચા (ISF) એ એક બેઠક મેળવી હતી. આ તબક્કામાં સૌથી મહત્વપૂર્ણ મુકાબલો ભવાનીપુરમાં થઈ રહ્યો છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીનો સામનો કરી રહ્યા છે.

(2:22 PM IST)