તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
બંગાળના સિંહાસન પર કોણ? અમિત શાહે 'બહારના મુખ્મંત્રી'ની અટકળો પર લગાવ્યું પૂર્ણવિરામ
ટીએમસીના 'બહારના વ્યક્તિ'ના પ્રચારનો અમિત શાહે આપ્યો જડબાતોડ જવાબ; કહ્યું- "માટીનો દીકરો જ બનશે બંગાળનો નાથ", ભત્રીજાવાદ અને ઘૂસણખોરીના મુદ્દે મમતા બેનર્જી પર કર્યા આકરા પ્રહારો : કોંગ્રેસના સુપડા સાફ થવાની કરી ભવિષ્યવાણી

કોલકાતા: પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના સૌથી મોટા હથિયાર એવા 'બહારના વ્યક્તિ' ના મુદ્દાને હવામાં ઉડાવી દીધો છે. દમદમના ન્યૂ બેરકપુર ખાતે આયોજિત એક વિશાળ જનસભાને સંબોધતા શાહે ગર્જના કરી હતી કે, જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે, તો મુખ્યમંત્રી કોઈ અન્ય રાજ્યનો નહીં પરંતુ શુદ્ધ બંગાળી હશે. તેમણે સ્પષ્ટતા કરી કે, "જે વ્યક્તિ બંગાળની પવિત્ર ધરતી પર જન્મ્યો હોય, બંગાળી માધ્યમમાં જ ભણ્યો હોય અને જેની રગેરગમાં બંગાળી સંસ્કૃતિ વહેતી હોય, તે જ વ્યક્તિ ભાજપ શાસિત બંગાળનું નેતૃત્વ કરશે." ટીએમસી દ્વારા ફેલાવવામાં આવતી ભ્રામક માહિતીનો છેદ ઉડાડતા શાહે આ નિવેદન દ્વારા સ્થાનિક મતદારોની લાગણીઓને જીતવાનો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે.
ગૃહમંત્રીએ મમતા બેનર્જી પર સીધો પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે તેમનું સમગ્ર રાજકારણ માત્ર તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને સત્તા પર બેસાડવા સુધી જ મર્યાદિત છે. તેમણે બંગાળમાં વધી રહેલી ઘૂસણખોરીને ચૂંટણીનો મુખ્ય એજન્ડા બનાવતા મતદારોને હાકલ કરી હતી કે, "આ લડાઈ માત્ર સત્તા પરિવર્તનની નથી, પણ બંગાળને ઘૂસણખોરોથી મુક્ત કરવાની છે. જો તમે કમળ પર મહોર મારશો, તો બંગાળની સરહદો એટલી મજબૂત બનશે કે કોઈ પક્ષી પણ પરવાનગી વગર અંદર નહીં આવી શકે." શાહે વધુમાં ઉમેર્યું કે મમતા દીદીએ જેમના પર ભરોસો મૂક્યો છે તે કોંગ્રેસ પક્ષ પોતે આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં ઐતિહાસિક હાર તરફ આગળ વધી રહ્યો છે અને બંગાળમાં તો તેમનું ખાતું ખુલવું પણ અશક્ય છે.
ચૂંટણી રણનીતિના ભાગરૂપે શાહે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના પ્રભાવમાં આવીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજકીય ચર્ચાનું સ્તર નીચું લાવી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન મોદી પર થતા વ્યક્તિગત હુમલાઓ ભાજપ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. બંગાળ વિધાનસભાના અંતિમ તબક્કાના મતદાન પહેલા શાહના આ 'લોકલ સીએમ' કાર્ડ અને 'એન્ટી-ઇનફિલ્ટ્રેશન' મિશને રાજ્યના રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે. હવે સૌની નજર ૨૩ અને ૨૯ એપ્રિલના મતદાન પર ટકેલી છે, જે નક્કી કરશે કે શું ખરેખર બંગાળી જનતા 'સોનાર બાંગ્લા' ના સપનાને સાકાર કરવા માટે ભાજપને તક આપે છે કે કેમ.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
