<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

'અસલી TMC કોણ?' - મમતા બેનર્જીનો આક્રોશ: પાર્ટી કાર્યાલય કબજે કરવાના પ્રયાસો વચ્ચે દીદીએ લીધી કમાન, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપો

બંગાળના રાજકારણમાં ભૂકંપ: ટીએમસીમાં તિરાડ બાદ મમતા બેનર્જીનો ગર્જનાપૂર્ણ અંદાજ, કહ્યું – "પક્ષનું ચિહ્ન છીનવી લેશો તો પણ લોકોના દિલ નહીં જીતી શકો"

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકીય આકાશમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં પડેલી મોટી તિરાડ અને પક્ષના કાર્યાલય પર કબજો જમાવવાના પ્રયાસો બાદ, મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ફેસબુક લાઈવના માધ્યમથી દીદીએ સ્પષ્ટ કરી દીધું છે કે, પક્ષની કમાન હવે તેઓ પોતે સંભાળશે. તેમણે કૃણાલ ઘોષ અને મદન મિત્રાને મહાસચિવ બનાવીને સંગઠનને નવો આકાર આપવાની શરૂઆત કરી છે.
"શું હું મરી ગઈ છું?" - દીદીનો સણસણતો જવાબ
પક્ષના પ્રતીક ચિહ્ન અને કાર્યાલય પરના દાવાઓ અંગે મમતા બેનર્જીએ ગુસ્સામાં આવીને કહ્યું, "અસલી TMC કોણ છે તે પ્રશ્ન જ ખોટો છે. શું હું મરી ગઈ છું? તમે કદાચ પ્રતીક ચિહ્ન છીનવી શકો છો, પરંતુ શું તમે મારો અવાજ રોકી શકશો? હું આ ચિહ્ન સાથે જ જનતા વચ્ચે જઈશ." તેમણે પક્ષના ભવનના ભાડા અંગેના વિવાદને પણ ફગાવી દીધો અને જણાવ્યું કે ઓક્ટોબર ૨૦૨૭ સુધીનું તમામ ભાડું ચૂકવી દેવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિગત માલિકીનો દાવો કરી શકતું નથી, આ સંસ્થાની મિલકત છે.
ગદ્દારોને ભાજપમાં જોડાઈ જવાની સલાહ
દીદીએ બળવાખોર નેતાઓ અને ધારાસભ્યો પર પ્રહાર કરતા કહ્યું કે, જે પક્ષે તમને ઓળખ આપી, આજે તમે તેની સાથે જ ગદ્દારી કરી રહ્યા છો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "જો તમારી પાસે ખરેખર હિંમત હોય અને તમને ભાજપ પર એટલો જ ભરોસો હોય, તો ગદ્દારી કરવાનું છોડીને ભાજપમાં સામેલ થઈ જાઓ. અંદરોઅંદર લડવું એ ગદ્દારી છે." તેમણે ઉમેર્યું કે પક્ષ એક કે બે વ્યક્તિઓ પર નહીં, પરંતુ જનતા અને સમર્પિત કાર્યકરો પર ટકેલો છે.
"શું કોલકાતામાં કલમ ૧૪૪ લાગુ છે?"
રાજ્યમાં રેલીઓ પરના પ્રતિબંધોને લઈને પણ દીદીએ સરકાર અને પોલીસ તંત્રની ઝાટકણી કાઢી હતી. ઓગસ્ટ મહિના સુધી રેલીની મંજૂરી ન આપવા પર તેમણે સવાલ કર્યો, "શું કોલકાતામાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે? અમે ૧૫ વર્ષ સત્તામાં રહ્યા પણ પોલીસે ક્યારેય આવું વર્તન કર્યું નથી." પોલીસ અને વહીવટી તંત્ર પર મિલીભગતનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ૨૧ જુલાઈએ યોજાનારી 'શહીદ સભા' માટે તેઓ તમામ નિયમોનું પાલન કરશે અને રિક્ષા રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરશે.
આ ઘટનાક્રમ બાદ કોલકાતાના રાજકીય સમીકરણો ફરી એકવાર બદલાઈ રહ્યા છે. આગામી સમયમાં આ આંતરિક કલહ પક્ષને કઈ દિશામાં લઈ જશે, તે જોવું ખૂબ જ મહત્વનું બની રહેશે.

(8:49 PM IST)