<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

કોણ છે અગ્નિમિત્રા પોલ? ફેશન ડિઝાઇનિંગની ગ્લેમરસ દુનિયા છોડી હવે બંગાળના મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ!

બોલીવુડ સેલેબ્સના કપડાં ડિઝાઇન કરનાર હવે બંગાળનું ભાગ્ય લખશે? ભાજપની ભવ્ય જીત બાદ CM પદ માટે અગ્નિમિત્રાનું નામ જોરશોરથી ગાજ્યું

કોલકાતા, તા.૦૫: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ હવે આખા દેશની નજર એક જ સવાલ પર છે - બંગાળના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષ જેવા દિગ્ગજ નેતાઓની વચ્ચે જે નામ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તે છે અગ્નિમિત્રા પોલ. એક સફળ બિઝનેસ વુમન અને ફેશન ડિઝાઇનરથી લઈને પ્રખર રાજનેતા સુધીની તેમની સફર ખૂબ જ પ્રેરણાદાયી રહી છે.
ગ્લેમરથી ગ્રાઉન્ડ પોલિટિક્સ સુધી
૨૫ નવેમ્બર ૧૯૭૪ના રોજ જન્મેલા અગ્નિમિત્રા પોલે બોટનીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ ફેશન ટેકનોલોજી અને MBAનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ કોલકાતાના જાણીતા ફેશન ડિઝાઇનર હતા. તેમની બ્રાન્ડ 'ઈન્ગા' (Inga) ખૂબ જ લોકપ્રિય હતી. તેમણે શ્રીદેવી, મિથુન ચક્રવર્તી અને કેકે મેનન જેવી હસ્તીઓ માટે કપડાં ડિઝાઇન કર્યા છે. એટલું જ નહીં, જ્યારે હિલેરી ક્લિન્ટન ભારત આવ્યા હતા, ત્યારે અગ્નિમિત્રાએ તેમને શાલ અને બ્લેન્કેટ ગિફ્ટ કર્યા હતા.
રાજકીય સફર: 'મહિલા મોરચા'થી વિધાનસભા સુધી
અગ્નિમિત્રા ૨૦૧૯માં ભાજપમાં જોડાયા અને ટૂંકા સમયમાં જ તેમની લોકપ્રિયતા આસમાને પહોંચી. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે રાજ્યના ૨૩ જિલ્લાઓમાં મહિલાઓ માટે 'સેલ્ફ ડિફેન્સ' વર્કશોપ યોજીને મહિલા સશક્તિકરણનું મોટું કામ કર્યું. ૨૦૨૧માં તેઓ આસનસોલ દક્ષિણ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના સાયોની ઘોષને હરાવીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. ૨૦૨૬ની ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર જંગી મતોથી જીત મેળવી પોતાનો દબદબો સાબિત કર્યો છે.
શું તેઓ બનશે બંગાળના નવા CM?
જાન્યુઆરી ૨૦૨૬માં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ બનેલા અગ્નિમિત્રા પોલ અત્યારે મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત મહિલા ચહેરો માનવામાં આવે છે. જોકે આ રેસમાં સુવેન્દુ અધિકારી અને અભિનેત્રી રૂપા ગાંગુલીના નામ પણ ચર્ચામાં છે, પરંતુ અગ્નિમિત્રાની શૈક્ષણિક લાયકાત, મહિલાઓમાં તેમની પકડ અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા તેમને અન્ય કરતા અલગ પાડે છે.
બંગાળમાં ભાજપ હવે મહિલા નેતૃત્વ પર દાવ ખેલશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે. પરંતુ એક વાત નક્કી છે કે ફેશનની દુનિયામાં રંગો પૂરનાર અગ્નિમિત્રા હવે બંગાળના રાજકારણમાં ભગવો લહેરાવવા તૈયાર છે.

(5:04 PM IST)