<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીની 'શૂટિંગ' વાળી મજાક હકીકતમાં ફેરવાઈ: વોશિંગ્ટનની હોટેલમાં ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી વિશ્વભરમાં સનસનાટી

હિલ્ટન હોટેલમાં ડિનર દરમિયાન અચાનક થયેલા ફાયરિંગથી અફડાતફડી, સુરક્ષા કોર્ડને ટ્રમ્પને સુરક્ષિત બહાર કાઢ્યા અને પીએમ મોદી સહિતના વૈશ્વિક નેતાઓએ લોકશાહીમાં હિંસાની આકરી ટીકા કરી

વોશિંગ્ટન : વોશિંગ્ટનની હિલ્ટન હોટેલમાં આયોજિત વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર કાર્યક્રમ લોહિયાળ બનતા સહેજમાં રહી ગયો હતો. હાઈ-પ્રોફાઈલ મહેમાનોની હાજરી વચ્ચે અચાનક ગોળીબારનો અવાજ સંભળાતા જ સમગ્ર હોલ ગભરાટ અને અરાજકતામાં ડૂબી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ પળવારનો પણ વિલંબ કર્યા વિના ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષા કવચ પૂરું પાડી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સદનસીબે, આ હુમલામાં ટ્રમ્પ કે અન્ય કોઈ મહાનુભાવને ઈજા પહોંચી નથી, પરંતુ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આટલી મોટી ક્ષતિ કેવી રીતે રહી ગઈ તે બાબતે તપાસના ચક્રો ગતિમાન થયા છે.

આ આશ્ચર્યજનક ઘટનાની વચ્ચે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હુમલાના થોડા સમય પહેલા જ એક પત્રકાર સાથેની હળવી વાતચીતમાં તેમણે મજાકમાં કહ્યું હતું કે, "આજે રાત્રે શૂટિંગ (ગોળીબાર) થશે." જોકે તેમનો ઈશારો ટ્રમ્પના તેજતર્રાર ભાષણ તરફ હતો, પરંતુ અચાનક થયેલા વાસ્તવિક ફાયરિંગને કારણે લોકો હવે આ નિવેદનને ગંભીરતાથી જોઈ રહ્યા છે. આ નિવેદન અને ત્યારબાદ બનેલી ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ માટે પણ અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાત આપતા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની સલામતી બદલ રાહત વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ સભ્ય સમાજ કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન હોઈ શકે નહીં અને આવા કાયરતાપૂર્ણ કૃત્યોની આકરી નિંદા થવી જોઈએ. હાલમાં વોશિંગ્ટન પોલીસ અને સિક્રેટ સર્વિસ દ્વારા હુમલાખોરના પ્રવેશ અને હેતુ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે બીજી તરફ વૈશ્વિક સ્તરે અમેરિકી પ્રમુખપદના ઉમેદવારોની સુરક્ષા અંગે ચર્ચા છેડાઈ છે.

(2:34 PM IST)