<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ડેટા સેન્ટર સેક્ટરમાં ભારતનું કયું રાજ્ય મારી ગયું બાજી? S&Pના રિપોર્ટમાં તેલંગણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બન્યા દેશના પાવરહાઉસ!

હાઈપરસ્કેલર્સ અને ગ્લોબલ રોકાણકારોને આકર્ષવા માટે રાજ્યો વચ્ચે હોડ: વીજળી, જમીન અને નિયમનકારી પ્રોત્સાહનોમાં તેલંગણા જ્યારે ગુજરાત નફાકારક વીજળી ક્ષેત્રે મોખરે

નવી દિલ્હી : ભારતમાં ટેક્નોલોજી અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે, ત્યારે ડેટા સેન્ટર (Data Center) ની નીતિઓ અને પ્રોત્સાહનો આપવામાં દેશના કયા રાજ્યો સૌથી આગળ છે તેનો ખુલાસો તાજેતરમાં પ્રખ્યાત વૈશ્વિક રેટિંગ એજન્સી 'સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ' (S&P) ગ્લોબલના એક નવા અહેવાલમાં થયો છે. એસ એન્ડ પીના 'ઇન્ડિયા ફોરવર્ડ: રીઇમેજિનિંગ ગ્રોથ' નામના રિપોર્ટ મુજબ, ડેટા સેન્ટર નીતિઓ અને આકર્ષક પેકેજો પૂરા પાડવામાં તેલંગણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ બાજી મારી છે.

 

તેલંગણાનું આકર્ષક નીતિગત પેકેજ જ્યારે મહારાષ્ટ્ર-યુપીનું સંતુલિત માળખું

 

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેલંગણા રાજ્ય મજબૂત વીજળી અને નિયમનકારી પ્રોત્સાહનોના આધારે સૌથી આકર્ષક નીતિગત પેકેજ ઓફર કરીને અગ્રેસર બન્યું છે. બીજી તરફ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પાવર, માળખાકીય સુવિધાઓ, મૂડીગત સહાય અને વ્યાપક નિયમનકારી યંત્રણાઓનું સંતુલિત માળખું તૈયાર કરીને રોકાણકારોને આકર્ષી રહ્યા છે. આ ચારેય અગ્રેસર રાજ્યોએ એસ એન્ડ પીના ૧૦૦માંથી ૫૦ આસપાસના સ્કોર સાથે ગ્લોબલ એનર્જી ડેટા સેન્ટર પોલિસી ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

 

ગુજરાતની હાઈપરસ્કેલર્સને આકર્ષવાની રણનીતિ

 

આ ઇન્ડેક્સમાં વર્ષ ૨૦૧૬થી અમલમાં મુકાયેલાં ૧૧ રાજ્યો સહિત કુલ ૧૯ રાજ્યોની IT, ડેટા સેન્ટર્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) ની નીતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વીજળી, જમીન, મૂડી, ઓપરેશનલ સપોર્ટ અને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' જેવા ચાર મુખ્ય ધોરણો પર આ રેન્કિંગ તૈયાર કરાયું છે. આ યાદીમાં ગુજરાતે હાઈપરસ્કેલર્સને આકર્ષવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સૌથી વધુ નફાકારક વીજળી અને વ્યાપાર સાનુકૂળ પગલાંઓ સ્થાપિત કર્યા હોવાની નોંધ લેવાઈ છે.

 

અન્ય રાજ્યોની સ્થિતિ અને પ્રોત્સાહનો

 

રિપોર્ટ અનુસાર, ૪૨ થી ૪૫ નો સ્કોર ધરાવતા બીજા જૂથમાં ઓરિસ્સા, હરિયાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સામેલ છે, જેમાં આંધ્ર પ્રદેશ જમીન અને મૂડીગત ટેકામાં આગળ છે જ્યારે કર્ણાટક 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં ઉત્તમ કામ કરી રહ્યું છે. જ્યારે તમિળનાડુ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ ૩૦ થી ૪૦ નો સ્કોર ધરાવે છે. તમિળનાડુ રિન્યુએબલ એનર્જી માળખા દ્વારા મૂડીગત ખર્ચમાં મજબૂત ટેકો પૂરો પાડી રહ્યું છે, જે ડિજિટલ અર્થતંત્રમાં ભારતની આગેકૂચ દર્શાવે છે.

 

(9:05 PM IST)