<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ઈરાન શરતો સ્વીકારે કે નહીં, મને કોઈ ફરક પડતો નથી કારણ કે અમે જીતી ગયા છીએ’: ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક નિવેદન, પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની સામુદ્રધુની મુદ્દે મડાગાંઠ યથાવત રહેતા મધ્યસ્થી પાકિસ્તાન પણ ચિંતામાં

અમેરિકા-ઈરાન વાટાઘાટોમાં કોઈ સમજૂતી નહીં: ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ મંત્રણા છોડી સ્વદેશ રવાના, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્લોરિડામાં UFC ઈવેન્ટમાં વ્યસ્ત રહ્યા

ઇસ્લામાબાદ:પાકિસ્તાનની યજમાનીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદ ખાતે યોજાયેલી ઐતિહાસિક શાંતિ વાટાઘાટો કોઈપણ નક્કર પરિણામ વિના પૂર્ણ થઈ છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નથી. જ્યારે વેન્સ ઈરાની પ્રતિનિધિમંડળ સાથે ૨૧ કલાક સુધી મેરેથોન બેઠકો કરી રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન છોડી ફ્લોરિડાના મિયામી ખાતે ‘Kaseya Center’ માં UFC 327 ઈવેન્ટ નિહાળવા પહોંચી ગયા હતા, જેણે વૈશ્વિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક જગાડ્યા છે.

 

અમે સૈન્ય રીતે જીતી ગયા છીએ’: ટ્રમ્પની ગર્જના:

મંત્રણાઓ શરૂ થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમને આ બેઠકના પરિણામની કોઈ ચિંતા નથી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "સમજૂતી થાય કે ન થાય, મને કોઈ ફરક પડતો નથી. અમે સૈન્ય રીતે તેમને હરાવી દીધા છે અને અમે જીતી ચૂક્યા છીએ. અમે ઈરાન સાથે ખૂબ જ ગહન વાટાઘાટોમાં છીએ, પણ અમે ગમે તે સંજોગોમાં વિજેતા છીએ." મંત્રણા દરમિયાન જે.ડી. વેન્સ સતત ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો તેમજ સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ સાથે સંપર્કમાં રહ્યા હતા.

 

પરમાણુ કાર્યક્રમ મુખ્ય અવરોધ:

વાટાઘાટો નિષ્ફળ રહેવા પાછળનું મુખ્ય કારણ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હોવાનું મનાય છે. જે.ડી. વેન્સે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમેરિકાએ તેની ‘બેસ્ટ અને ફાઈનલ ઓફર’ આપી દીધી છે. અમેરિકાની સ્પષ્ટ માંગ છે કે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવાની લેખિત ખાતરી આપે, પરંતુ ઈરાન આ શરત માનવા તૈયાર નથી. બીજી તરફ, ઈરાની મીડિયા અને વિદેશ મંત્રાલયે અમેરિકાની માંગણીઓને ‘અતાર્કિક’ ગણાવી હતી અને કહ્યું હતું કે એક જ બેઠકમાં સમજૂતીની અપેક્ષા રાખવી અસ્થાને છે.

 

હોર્મુઝ અને લેબનોનનો પેચ ફસાયો:

વાટાઘાટોમાં માત્ર પરમાણુ કાર્યક્રમ જ નહીં, પરંતુ હોર્મુઝની સામુદ્રધુની અને લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે પણ ગંભીર મતભેદો સામે આવ્યા છે. ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહ પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં ઈરાને ફરીથી હોર્મુઝનો માર્ગ રોકવાની ચેતવણી આપી છે. આ વિવાદો વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે બંને પક્ષોને સીઝફાયરનું પાલન કરવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે પાકિસ્તાન ભવિષ્યમાં પણ આ સંવાદ ચાલુ રહે તે માટે સુવિધા પૂરી પાડશે. હાલ પૂરતું, અમેરિકી પ્રતિનિધિમંડળ સમજૂતી વગર પરત ફરતા પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધવાની શક્યતા છે.

(10:35 AM IST)