<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

આકાશમાંથી ચોમાસું અચાનક ક્યાં ગાયબ થઈ ગયું? ભારતના 80% ભાગમાં વાદળો ગૂમ થતાં ચિંતાના વાદળો ઘેરાયા

જે ચોમાસું આખા દેશને ધમરોળવા તૈયાર હતું, તેના ભાગનો બધો જ ભેજ હજારો કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરના ચક્રવાતે ખેંચી લીધો : હવામાન વિભાગની નવીનતમ આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

નવી દિલ્હી:  હજુ થોડા દિવસો પહેલા સુધી જે ચોમાસું સમગ્ર દેશમાં ધમાકેદાર બેટિંગ કરીને પૂર અને જળબંબોળની સ્થિતિ સર્જી રહ્યું હતું, તે અચાનક જાણે ક્યાંક ગાયબ થઈ ગયું છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરોએ હવામાન વૈજ્ઞાનિકો અને સામાન્ય નાગરિકો બંનેને ચોંકાવી દીધા છે, કારણ કે ભારતના લગભગ 70 થી 80 ટકા ભૌગોલિક વિસ્તારના આકાશમાંથી વરસાદી વાદળો સંપૂર્ણપણે ગાયબ જોવા મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ગત 9 જુલાઈના રોજ જ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે સમગ્ર દેશમાં પહોંચી ગયું હોવાની જાહેરાત થઈ હતી, પરંતુ તેના તુરંત બાદ જ હવામાનમાં આવેલો આ અણધાર્યો પલટો કુદરતની અનિશ્ચિતતાને છતી કરે છે.

આ અચાનક સર્જાયેલા 'ડ્રાય સ્પેલ' પાછળ ભારતથી હજારો કિલોમીટર દૂર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આકાર લઈ રહેલું એક શક્તિશાળી વાવાઝોડું જવાબદાર છે. આ પ્રચંડ ચક્રવાતે હિંદ મહાસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અને હવાના શક્તિશાળી પ્રવાહને સ્પોન્જની જેમ પોતાની તરફ ખેંચી લીધા છે, જેના કારણે ભારતીય ચોમાસાની સિસ્ટમ એકાએક નબળી પડી ગઈ છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ ગતિ અત્યંત નીરસ રહી છે, જ્યાં જૂનના અંત સુધીમાં વરસાદમાં રેકોર્ડબ્રેક 40% ની ખાધ હતી, જે જુલાઈની શરૂઆતના ભારે વરસાદથી ઘટીને 14% એ પહોંચી હતી, પણ હવે પેસિફિકના આ વૈશ્વિક વિલનને કારણે મધ્ય અને દક્ષિણ ભારતમાં ફરીથી વરસાદના ફાંફા પડી રહ્યા છે અને દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધી રહ્યું છે.

જોકે, હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે ભારતીય ખેડૂતોએ અત્યારથી હિંમત હારવાની જરૂર નથી, કારણ કે ચોમાસું કાયમ માટે વિદાય નથી થયું, તે માત્ર અસ્થાયી રૂપે 'શોર્ટ બ્રેક' પર ગયું છે. જેમ જેમ પેસિફિક મહાસાગરમાં સક્રિય થયેલી આ ચક્રવાતની સિસ્ટમ નબળી પડશે, તેમ તેમ હિંદ મહાસાગરમાંથી ફરીથી ભેજનું પ્રમાણ ભારતીય ઉપખંડ તરફ વળશે અને વરસાદનો બીજો રાઉન્ડ ધમાકેદાર રીતે શરૂ થશે. હાલ પૂરતું, હવામાન વિભાગ પેસિફિકમાં વિકસતા અલ નીનો ની અસરો પર પણ ઝીણવટભરી નજર રાખી રહ્યું છે, કારણ કે જુલાઈના બાકીના દિવસોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની આશંકા સેવાઈ રહી છે.

(7:20 PM IST)