તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
"દુનિયા ગમે તે કહે, અમને કોઈ ફરક નથી પડતો": અમરોહામાં એક જ યુવક સાથે લગ્ન કરનાર ત્રણ બહેનોએ વિરોધ વચ્ચે આપ્યો આકરો જવાબ
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને પોલીસ ફરિયાદ બાદ ત્રણેય બહેનો પતિ સાથે CO ઓફિસે પહોંચી; રાજા-મહારાજાઓના ઉદાહરણ આપી પોતાની મરજીથી લગ્ન કર્યાનો કર્યો દાવો

અમરોહા (ઉત્તર પ્રદેશ) : ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુર વિસ્તારમાં એક અત્યંત અનોખો અને વિવાદિત કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ બહેનોએ એક જ યુવક સાથે મંદિર પટંગણમાં લગ્ન કરી લીધા છે. આ અનોખા લગ્નનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો અને કેટલાક સ્થાનિક સંગઠનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિવાદ વચ્ચે ત્રણેય બહેનો તેમના પતિ સાથે પોલીસ સ્ટેશન અને સીઓ (CO) ઓફિસે પહોંચી હતી અને સ્પષ્ટ શબ્દોમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
"અમે પુખ્ત વયના છીએ અને આપસી સંમતિથી લગ્ન કર્યા છે"
પોલીસ અધિકારીઓ સામે પોતાનું નિવેદન આપતાં ત્રણેય બહેનોએ જણાવ્યું હતું કે તેઓએ પોતાની મરજી અને સ્વતંત્ર ઇચ્છાથી આ જીવનસાથીની પસંદગી કરી છે.
તેમણે જણાવ્યું કે બે સગી બહેનો અને એક પિતરાઈ બહેન નાનપણથી જ એકબીજાની ખૂબ નજીક હતી. જ્યારે પરિવાર મોટી બહેન માટે વરરાજાની શોધ કરી રહ્યો હતો, ત્યારે ત્રણેય બહેનોને એકબીજાથી અલગ થઈ જવાનો ડર સતાવવા લાગ્યો હતો. આ જ કારણે તેમણે અલગ થવાને બદલે એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અનોખો નિર્ણય લીધો અને પડોશી ગામના એક ફોટોગ્રાફર યુવક સાથે મંદિરમાં લગ્ન કરી લીધા.
સનાતન ધર્મના રાજા-મહારાજાઓના આપ્યા ઉદાહરણો
જ્યારે અમરોહા પોલીસે વિરોધ અંગે પૂછપરછ કરી, ત્યારે બહેનોએ મક્કમતાથી જવાબ આપ્યો કે તેઓ પુખ્ત વયની છે અને પોતાના સારા-ખરાબનો નિર્ણય લેવા માટે સક્ષમ છે. તેમણે પોતાના આ નિર્ણયના બચાવમાં સનાતન ધર્મના પ્રાચીન રાજા-મહારાજાઓ અને સમ્રાટોના એકથી વધુ લગ્નોના ઉદાહરણો પણ ટાંક્યા હતા.
બહેનોનું સ્પષ્ટ નિવેદન: "દુનિયા આને સાચું માને કે ખોટું, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. અમે બધા એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાથે ખુશ છીએ."
પરિવારે કાનૂની કાર્યવાહી કરવાનો કર્યો ઇનકાર
વિવાદ વધતાં પોલીસની ટીમ છોકરીઓ અને છોકરાના ગામે પહોંચી હતી અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી હતી. જોકે, બંને પક્ષના પરિવારજનોએ આ મામલે કોઈપણ પ્રકારની કાનૂની ફરિયાદ કે કાર્યવાહી કરવાની ના પાડી દીધી છે. પરિવારે જણાવ્યું કે તેઓ આ કેસને આગળ વધારવા માગતા નથી. હાલમાં પોલીસે તમામના નિવેદનો નોંધીને સ્થિતિ પર નજર રાખી છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
