<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

"મારા દીકરાનો વાંક શું હતો? હત્યારાઓને ફાંસી મળે": કેતન અગ્રવાલ હત્યાકાંડમાં પિતાની ન્યાય માટે આક્રમક માંગ

પુણેમાં કેન્ડલલાઇટ માર્ચ યોજીને હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ઉજ્જવલ નિકમની કરી નિમણૂક

પુણે : પુણેના લોહાગઢ કિલ્લા પરથી ૨૬ વર્ષીય યુવાન કેતન અગ્રવાલને મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી દીધું છે. આ જઘન્ય હત્યાકાંડમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરી મુખ્ય આરોપી છે. શનિવારે પિંપરી-ચિંચવડમાં કેતનને ન્યાય અપાવવાની માંગ સાથે એક વિશાળ કેન્ડલલાઇટ માર્ચ કાઢવામાં આવી હતી, જેમાં પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્લેકાર્ડ્સ લઈને ન્યાયની આશામાં ઉભેલા લોકોની આંખોમાં આંસુ અને હત્યારાઓ સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

"પુત્રવધૂ લાવવાના બદલે પુત્રની અર્થી ઉઠાવવી પડી"

પુત્રના વિરહમાં બેબાકળા થયેલા કેતનના પિતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "મેં મારા દીકરાના લગ્ન કરાવવા માટે તૈયારીઓ કરી હતી, પરિવારમાં પુત્રવધૂના આગમનનું સપનું જોયું હતું, પણ કલ્પના પણ નહોતી કરી કે મારે મારા બાળકને હંમેશા માટે ગુમાવી દેવો પડશે." તેમણે આઘાત સાથે ઉમેર્યું કે, ૨૬ વર્ષના આ નિર્દોષ યુવકની કોઈ પણ કારણ વગર હત્યા કરી દેવામાં આવી છે. તેમનો એક જ સૂર છે કે, આરોપીઓને મૃત્યુદંડની સજા મળે જેથી કેતનની આત્માને શાંતિ મળે.

મુખ્યમંત્રીની ખાતરી, ન્યાય માટે ઉજ્જવલ નિકમની એન્ટ્રી

શુક્રવારે કેતન અગ્રવાલના પરિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ આ કેસને અત્યંત ગંભીરતાથી લઈને પરિવારે કરેલી તમામ માંગણીઓ સ્વીકારી છે. કેસ વધુ મજબૂત બને તે માટે મુખ્યમંત્રીએ જાણીતા વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને આ કેસમાં 'સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર' તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. પરિવારજનોએ પોલીસ અને તપાસ અધિકારીઓના કામકાજ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તપાસથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું છે.

જન સમર્થન અને ન્યાયની આશા

કેન્ડલલાઇટ માર્ચ દરમિયાન પિતાએ આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, "હું તે દરેક વ્યક્તિનો આભારી છું જેણે મારા દુઃખમાં સાથ આપ્યો છે. હું આશા રાખું છું કે જ્યાં સુધી હત્યારાઓને ફાંસીના માંચડે ન ચડાવવામાં આવે ત્યાં સુધી લોકો આ રીતે મારી સાથે જોડાયેલા રહેશે."

આ ઘટનામાં મુખ્ય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ આ કેસની ક્રૂરતા અને હત્યાના રહસ્યમય કારણોને કારણે તપાસ એજન્સીઓ અત્યારે પણ સતત પૂછપરછ કરી રહી છે. પુણે પોલીસ આ કેસમાં તમામ ટેકનિકલ અને ડિજિટલ પુરાવાઓ એકત્ર કરવામાં વ્યસ્ત છે, જેથી આરોપીઓને કોઈપણ ભોગે કાયદામાંથી બચવા ન મળે.

(11:14 PM IST)