તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
વીરેન્દર સેહવાગ અને પત્ની આરતી વચ્ચેના સંબંધોમાં તિરાડના અહેવાલોનું સત્ય શું? વીરુના એક નિવેદને અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ
અલગ થવાની અટકળો વચ્ચે સેહવાગે બાયોપિક અને પોતાની લવસ્ટોરી અંગે કરી દિલ ખોલીને વાત; આગામી રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ ૨’ ના લોન્ચિંગ વખતે આપ્યા ખાસ સંકેત.

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દર સેહવાગ અને તેની પત્ની આરતી અહલાવત વચ્ચેના દાંપત્યજીવનમાં તિરાડ પડી હોવાની અને તેઓ અલગ રહી રહ્યા હોવાની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી અફવાઓના બજારમાં ગરમ હતી. જોકે, આ તમામ અટકળો વચ્ચે વીરેન્દર સેહવાગે તાજેતરમાં આપેલા એક દિલચસ્પ ઈન્ટરવ્યુએ ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. સેહવાગની વાતો પરથી એ વાત લગભગ સાબિત થઈ ગઈ છે કે તેમના સંબંધોમાં ક્યારેય કોઈ મોટો વિવાદ હતો જ નહીં અથવા તો બંનેએ ખાનગીમાં જ તમામ મનમુટોવ ઉકેલી લીધા છે.
ખરેખર, આગામી ૨૬મી સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલા રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ ૨' ના પ્રીમિયર પ્રસંગે હોસ્ટ તરીકે જોડાયેલા સેહવાગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે સેહવાગને પૂછવામાં આવ્યું કે 'શું તમારી ઝળહળતી ક્રિકેટ કારકિર્દી પર કોઈ બાયોપિક (ચલચિત્ર) બનવી જોઈએ?' ત્યારે વીરુદાદાએ પોતાના જ અંદાજમાં હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે, "હા ચોક્કસ! પરંતુ મારી ફિલ્મ માત્ર ક્રિકેટ સુધી સીમિત ન હોવી જોઈએ, પત્ની આરતી સાથેની મારી સુંદર લવસ્ટોરી એ બાયોપિકનો સૌથી મહત્વનો અને ખાસ ભાગ હોવી જોઈએ."
આ અગાઉ એવી વાતો વહેતી થઈ હતી કે બંને જાન્યુઆરી ૨૦૨૫થી અલગ-અલગ રહે છે, પરંતુ બંનેમાંથી કોઈએ ક્યારેય સત્તાવાર નિવેદન આપ્યું નહોતું. હાલમાં સેહવાગ પોતાની ક્રિકેટ એકેડમી અને સ્કૂલ્સ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે, જ્યારે તેમના બંને પુત્રો - ૧૮ વર્ષનો આર્યવીર અને ૧૬ વર્ષનો વેદાંત પણ ક્રિકેટમાં જબરદસ્ત નામ કમાઈ રહ્યા છે. આર્યવીર સેહવાગ હાલમાં ઓસ્ટ્રેલિયા-એ સામે રમી રહેલી ઈન્ડિયા-એ ટીમનો હિસ્સો છે. સેહવાગના આ નિવેદન બાદ ચાહકોમાં ખુશીનો માહોલ છે અને અફવાઓ પર વિરામ લાગી ગયો છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
