તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: "એક્ઝિટ પોલ પાયાવિહોણા છે, અમને 'મા, માટી અને માનુષ' પર પૂરો ભરોસો" – ટીએમસી નેતા કુણાલ ઘોષનો હુંકાર
બેલેઘાટા બેઠકના ઉમેદવાર કુણાલ ઘોષે ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન; મતદાનમાં ગેરવહીવટનો આરોપ લગાવતા કહ્યું- "બંગાળની જનતા દીદીની સાથે જ છે"

કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની વચ્ચે એક્ઝિટ પોલના આંકડાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. એક તરફ એક્ઝિટ પોલ ભાજપની જીતના સંકેતો આપી રહ્યા છે, ત્યારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ તેને ફગાવી દીધા છે. બેલેઘાટા વિધાનસભા બેઠકના ટીએમસી ઉમેદવાર કુણાલ ઘોષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંગાળની જનતા ફરી એકવાર મમતા બેનર્જી પર જ પસંદગીનો કળશ ઢોળશે. તેમણે એક્ઝિટ પોલને માત્ર અટકળો ગણાવ્યા છે.
કુણાલ ઘોષે એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "લોકો દીદીના સમર્થનમાં છે. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરવા આગળ આવ્યા છે તે એક શુભ સંકેત છે." જોકે, તેમણે ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલો ઉઠાવતા કહ્યું કે, પંચના ગેરવહીવટને કારણે મતદાનની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે, જેના કારણે મતદારોએ લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઇલેક્ટોરલ રોલની રિવિઝન પ્રક્રિયામાં ખામીઓને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં બપોરે 3:30 વાગ્યા સુધીમાં 78.68% જેટલું જંગી મતદાન નોંધાયું છે. પૂર્વ બર્ધમાન જિલ્લામાં સૌથી વધુ 83.11% અને હુગલીમાં 80.77% મતદાન થયું છે. આ ઊંચું મતદાન સત્તાધારી પક્ષ માટે 'લિટમસ ટેસ્ટ' સમાન માનવામાં આવે છે, કારણ કે બીજા તબક્કામાં દક્ષિણ બંગાળ અને કોલકાતાના વિસ્તારોનો સમાવેશ થાય છે, જે પરંપરાગત રીતે ટીએમસીના ગઢ ગણાય છે.
બેલેઘાટા બેઠક પર કુણાલ ઘોષનો સીધો મુકાબલો ભાજપના પાર્થ ચૌધરી, સીપીઆઈ (એમ) ના પરમિતા રોય અને કોંગ્રેસના શાહિના જાવેદ સાથે છે. બીજી તરફ, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પણ ભવાનીપુર જેવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારોમાં મતદાન મથકોની મુલાકાત લઈને જીતનો દાવો કર્યો છે. બંગાળમાં આ વખતે ટીએમસી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે, ત્યારે એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામો વચ્ચે કેટલું અંતર રહે છે તે 4 મેના રોજ સ્પષ્ટ થશે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
