News of Wednesday, 29th July 2026
પશ્ચિમ બંગાળ શિક્ષણ ક્ષેત્રે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનો ઐતિહાસિક નિર્ણય: ૮૦,૦૦૦ થી વધુ શાળાઓ માટે ₹૨૯૬.૬૪ કરોડની ગ્રાન્ટ મંજૂર; ઈસ્કોન આપશે પૌષ્ટિક મધ્યાહન ભોજન!
રાજ્યની ૮૦,૩૭૫ સરકારી અને સહાયિત શાળાઓને સીધો આર્થિક લાભ: વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્યપ્રદ 'સાત્વિક આહાર' સાથે SHGs દ્વારા ઈંડા આપવાનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ; આરોગ્ય ક્ષેત્રે પણ મોટી જાહેરાતો

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યના શૈક્ષણિક માળખાને વેગ આપવા માટે એક વિશાળ અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની ૮૦,૦૦૦ થી વધુ સરકારી, અનુદાનિત અને પ્રાયોજિત શાળાઓના સર્વાંગી વિકાસ માટે સરકારે ₹૨૯૬.૬૪ કરોડની રકમ સીધી નેટ બેંકિંગ દ્વારા ટ્રાન્સફર કરી દીધી છે. આ સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને મધ્યાહન ભોજન યોજનામાં પણ ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્યા છે.
શાળાઓનો વિકાસ અને ઇસ્કોન દ્વારા સાત્વિક ભોજન:
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ૬૦ ટકા અને રાજ્ય સરકાર ૪૦ ટકા ભંડોળ પૂરું પાડી રહી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે પાઈલટ પ્રોજેક્ટના ભાગરૂપે ગ્રેટર કોલકાતા વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સાત્વિક ખોરાક પૂરો પાડવાની જવાબદારી 'ઇસ્કોન' (ISKCON) ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પ્રોટીનયુક્ત સંતુલિત આહાર મળી રહે તે માટે સ્વ-સહાય જૂથો (SHGs) ના માધ્યમથી ઇંડા પણ વિતરીત કરવામાં આવશે.
પાછલી સરકારોની નિષ્ફળતાઓ પર પ્રહાર:
ભંડોળ મુક્ત કરવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લાં ત્રણ વર્ષમાં પાછલી સરકારની નીતિગત નિષ્ફળતાઓ, અહંકાર અને ઉપેક્ષાને કારણે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પોતાના ન્યાયી હકથી વંચિત રહી હતી." તેમણે ઉમેર્યું કે ભલે આ રકમ શાળાઓની વિશાળ સંખ્યા સામે ખૂબ મોટી ન લાગે, પરંતુ શાળાઓની દૈનિક જરૂરિયાતો અને માળખાકીય સુધારા માટે આ ગ્રાન્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
આરોગ્ય ક્ષેત્રે કાયાકલ્પ અને NEET ટોપર્સનું સન્માન:
શિક્ષણ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યની સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા માટે પણ મોટા પગલાં લીધા છે. ૧૦૦ NEET ટોપર્સ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય સચિવાલય દ્વારા બ્લોક લેવલના હેલ્થ સેન્ટર્સથી લઈને મોટા સરકારી દવાખાનાઓ સુધી ડોક્ટરો માટે શ્રેષ્ઠ અને પ્રોત્સાહક કાર્યકારી વાતાવરણ ઉભું કરવામાં આવશે, જેથી રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ તબીબી સુવિધાઓ મળી રહે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
