<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનો મોટો અને કઠિન નિર્ણય: મમતા બેનર્જી સરકારની વિવાદાસ્પદ ૧૦,૦૦૦ રૂપિયાની મોબાઇલ ફોન સહાય યોજના સત્તાવાર રીતે બંધ

શાળાઓમાં 'ગુજરાત મોડેલ' અપનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી: વિદ્યાર્થીઓને મોબાઇલના નુકસાનથી બચાવવા માટે ધોરણ ૧૨ સુધીના બાળકો પર ફોન વપરાશ પર પ્રતિબંધ મૂકવાના સંકેતો

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી શિક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ૧૦,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય યોજનાને તાત્કાલિક અસરથી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. અગાઉ આ લોકપ્રિય યોજના હેઠળ રાજ્યના ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટર ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હતી, જેને હવે વર્તમાન સરકાર દ્વારા સત્તાવાર રીતે સ્થગિત કરી દેવામાં આવી છે.

 

આ યોજના બંધ કરવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમની સરકાર વિદ્યાર્થીઓના ઉત્થાન, શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પાછળ નાણાં ખર્ચવા માટે હંમેશાં તૈયાર છે, પરંતુ વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન ખરીદવા માટે રોકડ સહાય આપવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની શાળાઓએ હવે 'ગુજરાત મોડેલ' અપનાવવાની અનિવાર્યતા છે અને શાળાકીય વિદ્યાર્થીઓને શક્ય તેટલા વધુ સમય સુધી મોબાઇલ ફોનથી દૂર રાખવા જોઈએ. અગાઉ શિક્ષક દિવસના અવસરે પણ મુખ્યમંત્રીએ આ અંગે સંકેત આપ્યા હતા કે બાળકો પર મોબાઇલના વધતા નકારાત્મક પ્રભાવને રોકવા માટે આ એક કઠિન પરંતુ જરૂરી નિર્ણય છે.

 

મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરવાના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને અભ્યાસ પર વિપરીત અસર પડે છે. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી સરકારે વર્ષ ૨૦૨૨ માં "તરુણેર સ્વપ્ન" નામની આ યોજના શરૂ કરી હતી, જેના દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ૧૦,૦૦૦ રૂપિયા આપવામા આવતા હતા. જો કે, હવે રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ સુવેન્દુ અધિકારી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ લતથી બચાવવા અને શિસ્તબદ્ધ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાના હેતુસર આ યોજનાને કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે.

(10:56 PM IST)