<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

"આ વખતે તમને હેલ્મેટ પહેરાવીશું!" સિક્સર વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધ ચાહક સાથે પ્રીતિ ઝિન્ટા અને પ્રિયાંશ આર્યાએ કરી વીડિયો કોલ પર વાત, ધર્મશાલા આવવાનું આપ્યું આમંત્રણ

પંજાબ કિંગ્સના માલિક અને ખેલાડીએ માનવતા મહેકાવી; લોહીલુહાણ થયેલા ચાહકની તબિયત પૂછી અને મેચ જોવા માટે ખાસ હોસ્ટ કરવાની આપી ખાતરી

ધર્મશાલા: ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ પ્રેક્ષકો માટે મનોરંજન લાવે છે, પરંતુ ક્યારેક તે ગંભીર ઈજાનું કારણ પણ બને છે. મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની મેચ દરમિયાન પંજાબના ઓપનર પ્રિયાંશ આર્યાની એક ગગનચુંબી સિક્સર સીધી સ્ટેન્ડમાં બેઠેલા એક વૃદ્ધ ચાહકને મોઢા પર વાગી હતી. આ ઘટનામાં લોહીલુહાણ થયેલા ચાહક 'કૃષ્ણચંદ' ની તબિયત જાણવા માટે પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા અને ખેલાડી પ્રિયાંશ આર્યાએ વીડિયો કોલ કરીને સૌના દિલ જીતી લીધા છે.
મેદાન પર સર્જાયા હતા ભયાનક દ્રશ્યો
મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન જ્યારે પ્રિયાંશની સિક્સર સીધી વૃદ્ધ ચાહકને વાગી, ત્યારે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના ચહેરા પરથી લોહી વહેવા લાગ્યું હતું. આસપાસના પ્રેક્ષકોએ તેમને તાત્કાલિક મદદ કરી હતી અને બાદમાં હોસ્પિટલ ખસેડાયા હતા. હવે તેમની હાલત સ્થિર છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દ્રશ્યો જોઈને પ્રિયાંશ આર્યા પોતે પણ ઘણો ચિંતિત થઈ ગયો હતો.
પ્રીતિએ મજાકમાં કહ્યું- 'આ વખતે હેલ્મેટ તૈયાર રાખજો'
વીડિયો કોલ દરમિયાન પ્રીતિ ઝિન્ટાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "મને પણ ઘણી ટેન્શન થઈ રહી હતી." જેના જવાબમાં વૃદ્ધ ચાહકે હસતા મુખે કહ્યું કે, "તમારી દુઆઓથી બચી ગયો છું." ત્યારે પ્રિયાંશ આર્યાએ લાગણીશીલ થઈને કહ્યું, "અંકલ, તમારી દુઆઓ અમારી સાથે છે. તમે ધર્મશાલા મેચ જોવા આવો, નહીં તો હું ચંદીગઢ આવીશ ત્યારે તમને ચોક્કસ મળીશ." વાર્તાલાપ દરમિયાન પ્રીતિએ હળવા અંદાજમાં ઉમેર્યું હતું કે, "આ વખતે અમે તમને હેલ્મેટ પહેરાવીશું, જેથી જો કોઈ બોલ આવે તો તમે સુરક્ષિત રહો."
ચાહક માટે ધર્મશાલાનું આમંત્રણ
પંજાબ કિંગ્સની મેનેજમેન્ટે આ વૃદ્ધ ચાહકને ધર્મશાલામાં રમાનારી આગામી મેચ જોવા માટે ખાસ આમંત્રણ આપ્યું છે. ચાહકે પણ રાહત વ્યક્ત કરતા કહ્યું કે બોલ આંખની ઉપરના હાડકા પર વાગ્યો હોવાથી તેમની આંખો બચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકો પ્રીતિ ઝિન્ટા અને પ્રિયાંશના આ માનવીય અભિગમની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે. પંજાબ કિંગ્સે સાબિત કર્યું છે કે તેમના માટે ચાહકો માત્ર સ્ટેડિયમની ભીડ નથી, પરંતુ એક પરિવારનો હિસ્સો છે.

(11:08 PM IST)