તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ધામધૂમથી લગ્ન કર્યા પણ દુલ્હન ઘરે જ ન પહોંચી
દુલ્હન અને તેના સાથીદારો વરરાજાને રસ્તા પર એકલો મૂકીને ભાગી ગયા : ફરિયાદ બાદ પોલીસે બે મહિલાઓ સહિત સાત લોકોની ધરપકડ કરીઃ સોનાના દાગીના, રૂ. ૮૦,૦૦૦ રોકડ અને અન્ય સામાન લઈને ભાગી ગયા હતા

હરદોઈ તા.૧૪: ઉત્તર પ્રદેશના આઝમગઢથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. અહીં એક લગ્ન બાદ દુલ્હન અને તેના સાથીદારો વરરાજાને રસ્તા પર એકલો મૂકીને ભાગી ગયા હતા. આરોપ છે કે દુલ્હન સાથે આવેલા લોકોએ રસ્તામાં વરરાજાને કારમાંથી નીચે ઉતારી દીધા અને લગ્નમાં મળેલા સોનાના દાગીના, રૂ. ૮૦,૦૦૦ રોકડ અને અન્ય સામાન લઈને ભાગી ગયા હતા. ફરિયાદ બાદ પોલીસે બે મહિલાઓ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૧૯,૬૫૦ રોકડ, મંગળસૂત્ર, કાનની બુટ્ટીઓ, સાડીઓ, કપડાં, બે મોટરસાયકલ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે.
અહેવાલો અનુસાર, હરદોઈ જિલ્લાના બિલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના છિબ્રામૌ ગામના રહેવાસી રાજકુમારને લગ્નનું આશ્વાસન આપી ફસાવવામાં આવ્યો હતો. આરોપીઓએ તેના લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ તેને વોટ્સઍપ દ્વારા યુવતીનો ફોટો મોકલ્યો હતો. રાજકુમાર અને તેના પરિવારને યુવતી પસંદ આવી અને લગ્ન નક્કી થયા. લગ્ન માટે બરદાહ સ્થિત મહાદેવ મંદિરને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
બુધવારે વર અને કન્યા પક્ષના પરિવારો મંદિરે પહોંચ્યા હતા. રાજકુમારે ત્યાં પરંપરાગત વિધિઓ મુજબ યુવતી સાથે લગ્ન કર્યા. સમારોહ દરમિયાન, વરરાજાના પરિવારે દુલ્હનને સોનાના દાગીના, રૂ. ૮૦,૦૦૦ રોકડ અને કપડાં ભેટમાં આપ્યા. લગ્ન પછી, રાજકુમાર દુલ્હન સાથે ઘરે જવા નીકળ્યો. આરોપ છે કે બાંધવા મોડ નજીક, દુલ્હનના કહેવાતા પિતા અને અન્ય લોકોએ વાહન રોકી અને રાજકુમારને કારમાંથી નીચે ઉતારી દીધો. ત્યારબાદ, દુલ્હન અને તેના સાથીદારો લગ્ન દરમિયાન ભેટમાં મળેલા દાગીના, રોકડ અને અન્ય વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા. આ ઘટના બાદ વરરાજાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. શુક્રવારે પોલીસે આ કેસમાં સંડોવાયેલા સાત વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૧૯,૬૫૦ રોકડ, મંગળસૂત્ર, કાનની બુટ્ટીઓ, સાડીઓ, કપડાં, બે મોટરસાયકલ અને અન્ય વસ્તુઓ કબજે કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. લગ્નના બહાને આચરવામાં આવેલી આ કથિત છેતરપિડી અને લૂંટના અન્ય પાસાઓ અંગેની માહિતી આરોપીઓની પૂછપરછ દ્વારા મેળવવામાં આવી રહી છે, તેમ જ હજી કેટલા લોકો આ પ્રકારના ગુનામાં સામેલ છે તેની પણ વધુ શોધ ચાલી રહી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
