<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

પાકિસ્તાનના રાજકારણમાં લગ્નની અફવાઓનું વાવાઝોડું: ઓસ્ટ્રિયાની રાજકુમારી ગ્લોરિયા અને બિલાવલ ભુટ્ટોના લગ્નની સોશિયલ મીડિયા અટકળો વચ્ચે PPP દ્વારા સત્તાવાર સ્પષ્ટતા

યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ યાત્રા ઓસ્ટ્રિયાના આર્કડચેસ અને આખરી સમ્રાટ ચાર્લ્સ પ્રથમની પ્રપૌત્રી ગ્લોરિયા વોન હેબ્સબર્ગ સાથે બિલાવલના લગ્નની વાતચીત માટે યોજાઈ હતી

નવી દિલ્હી :  પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના 38 વર્ષીય અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના યુરોપિયન રાજપરિવારમાં લગ્ન થવા જઈ રહ્યા છે તેવી અફવાઓએ ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી છે. વાયરલ પોસ્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે બિલાવલ ઓસ્ટ્રિયાના અંંતિમ સમ્રાટ ચાર્લ્સ ની પ્રપૌત્રી ગ્લોરિયા વોન હેબ્સબર્ગ સાથે લગ્નગ્રંથિથી જોડાવાના છે. આ વાતોને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને બિલાવલના પિતા આસિફ અલી ઝરદારી સાત દિવસની અચાનક ખાનગી મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા. નેટીઝન્સે તુરંત જ આ ગુપ્ત પ્રવાસને લગ્નની વાટાઘાટો અને તારીખ નક્કી કરવા સાથે જોડી દીધો હતો.

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ ડ્રામા વચ્ચે કરાચીના મેયર અને બિલાવલના પ્રવક્તા મુર્તઝા વહાબે સ્થિતિ સ્પષ્ટ કરતા તમામ અહેવાલોને સંપૂર્ણ પાયાવિહોણા ફગાવી દીધા છે. તેમણે ટ્વિટ (X) કરીને જાહેરાત કરી કે બિલાવલની સગાઈ કે લગ્ન અંગેના તમામ સમાચાર તથ્યહીન અને ખોટા છે. જોકે, વહાબની સત્તાવાર સ્પષ્ટતા છતાં ઈન્ટરનેટ યુઝર્સ અને પાકિસ્તાની મીડિયા આ "શાહી સગાઈ" ની વાર્તાઓને સતત શેર કરી રહ્યા છે અને ઓસ્ટ્રિયન શાહી પરિવારની હિસ્ટ્રી સર્ચ કરી રહ્યા છે.

બિલાવલ ભુટ્ટોના લગ્નનો મુદ્દો પાકિસ્તાનમાં અવારનવાર ચર્ચાનો વિષય બનતો આવ્યો છે, જ્યાં વિવિધ વિદેશી તેમજ પાકિસ્તાની અગ્રણી યુવતીઓ સાથે તેમના નામ જોડવામાં આવે છે. વર્ષ 2022માં યુએનની બેઠક દરમિયાન જ્યારે તેમને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસીને સ્વીકાર્યું હતું કે તેઓ લગ્ન ચોક્કસ કરશે પરંતુ કોઈ ચોક્કસ સમય નથી આપ્યો. આ ઉપરાંત તેમણે એકવાર મજાકમાં કહ્યું હતું કે તેમની ભાવિ પત્નીએ લગ્ન પહેલા તેમની બહેનોના દિલ જીતવા પડશે. હાલ પૂરતું, આ શાહી લગ્નની વાતો માત્ર એક ડિજિટલ અફવા જ સાબિત થઈ છે.

(10:30 PM IST)