<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

જમુઈમાં લગ્નની મિજબાની બની મુસીબત: એક જ પરિવારના 50 થી વધુ લોકો લોથપોથ!

ચારઘરા ગામમાં લગ્નનો આનંદ માતમ જેવી ચિંતામાં ફેરવાયો: દૂષિત ખોરાક અને કાળઝાળ ગરમીએ નોતર્યું ફૂડ પોઈઝનિંગ : મેડિકલ ટીમ દ્વારા ગામમાં જ ઈમરજન્સી કેમ્પ શરૂ!

જમુઈ:  બિહારના જમુઈ જિલ્લાના ચારઘરા વિસ્તારમાં વિશ્વેશ્વર સોનાના પુત્ર ચંદનના લગ્ન પ્રસંગે જમણવાર બાદ અચાનક અફરાતફરી મચી ગઈ હતી. રવિવારે રાત્રે લગ્નના ભોજનનો સ્વાદ માણ્યાના થોડા જ કલાકોમાં મહેમાનો અને પરિવારના સભ્યોની તબિયત લથડવા લાગી હતી. સવાર પડતા સુધીમાં તો પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના 50 થી વધુ લોકો તીવ્ર ઉલટી, ઝાડા અને પેટના અસહ્ય દુખાવાની ફરિયાદ કરવા લાગ્યા. મંગલ ગીતો ગુંજતા હતા તે ઘરમાં અચાનક બીમારીની ચીસ અને દોડધામ મચી ગઈ હતી.

ગરમીનો પારો આકાશને આંબી રહ્યો છે ત્યારે દૂષિત ખોરાકે ઝેરનું કામ કર્યું હતું. સ્થાનિક લોકોએ શરૂઆતમાં તેને લૂ લાગવી કે સામાન્ય ગરમીનું કારણ માન્યું હતું, પરંતુ સંખ્યા વધતા ઝજ્જા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને જાણ કરવામાં આવી. ડૉ. નૌશાદની આગેવાનીમાં મેડિકલ ટીમ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને દવાઓના જથ્થા સાથે ચારઘરા પહોંચી હતી. ગામના એક વિસ્તારમાં જ કામચલાઉ હોસ્પિટલ જેવો કેમ્પ ઊભો કરી દેવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, વધતા તાપમાનમાં રાંધેલો ખોરાક જલ્દી બગડી જતો હોય છે અને આવો ખોરાક ખાવાથી ઈન્ફેક્શન ઝડપથી ફેલાય છે.

હાલમાં મેડિકલ ટીમ સ્થળ પર જ રહીને તમામ દર્દીઓને ગ્લુકોઝ અને ORS આપી રહી છે. કેટલાક ગંભીર દર્દીઓને સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનાએ આસપાસના ગામડાઓમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે. લગ્નની વિધિઓ અને ઉત્સાહની વચ્ચે ડોક્ટરોની અવરજવર જોઈને આખું ગામ સ્તબ્ધ છે. આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે ઉનાળાના લગ્ન પ્રસંગોમાં ખાસ કરીને દૂધ અને માવાની બનાવટો તેમજ વાસી ખોરાકથી બચવું જોઈએ, જેથી આવા ગંભીર ફૂડ પોઈઝનિંગના કિસ્સાઓ રોકી શકાય.

(8:04 PM IST)