<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

અમરનાથ યાત્રા 2026 માટે નોંધણીના પહેલા જ દિવસે વેબસાઇટ ઠપ્પ થતા બેંકોમાં લાગી લાંબી કતારો, જાણો કયા દસ્તાવેજો છે જરૂરી

અમરનાથ યાત્રા 2026 માટે 15 એપ્રિલથી નોંધણી શરૂ, 554 બેંક શાખાઓમાં ફર્સ્ટ-કમ-ફર્સ્ટ-સર્વ આધારે પરમિટ અપાશે; આધાર eKYC અને CHC ફરજિયાત

નવી દિલ્હી, તા.16

અમરનાથ યાત્રા 2026 માટે 15 એપ્રિલથી શરૂ થયેલી નોંધણીના પહેલા જ દિવસે ઓનલાઈન વેબસાઇટ ઠપ્પ થઈ જતા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઓનલાઈન પોર્ટલ બંધ પડતાં દેશભરની નિયત 554 બેંક શાખાઓમાં યાત્રા પરમિટ માટે લાંબી કતારો લાગી હતી. આ વર્ષે યાત્રા 3 જુલાઈથી 28 ઓગસ્ટ 2026 સુધી 57 દિવસ ચાલશે.

 

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા નોંધણી માટે ફર્સ્ટ-કમ-ફર્સ્ટ-સર્વના ધોરણે દૈનિક ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. દરેક રૂટ માટેની સ્લોટ બુકિંગની તારીખથી 7 દિવસ અગાઉ બંધ થઈ જશે. નોંધણી માટે માત્ર 13થી 70 વર્ષની વયના વ્યક્તિઓ જ પાત્ર છે. 6 અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓને યાત્રાની મંજૂરી નથી.

 

બેંક શાખામાં નોંધણી માટે આ દસ્તાવેજો ફરજિયાત છે. આધાર કાર્ડ આધારિત બાયોમેટ્રિક eKYC વેરિફિકેશન રિયલ ટાઈમમાં કરવામાં આવશે. ટેકનિકલ ખામી સર્જાય તો મેન્યુઅલ એન્ટ્રી અને વેબકેમ ફોટો કેપ્ચરની વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત 8 એપ્રિલ 2026 કે ત્યારબાદની તારીખનું કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. CHC માત્ર બોર્ડ દ્વારા અધિકૃત ડોક્ટર કે સંસ્થા દ્વારા જ ઈશ્યુ કરેલું માન્ય ગણાશે. દરેક યાત્રી માટે ₹150 નોંધણી ફી ભરવાની રહેશે.

 

સફળ નોંધણી બાદ NICના પોર્ટલથી સિસ્ટમ-જનરેટેડ યાત્રા પરમિટ ઈશ્યુ થશે. પરમિટમાં યાત્રીની વિગત, રૂટનું નામ બાલતાલ કે પહેલગામ, ડોમેલ અથવા ચંદનવાડી ગેટ ક્રોસ કરવાની તારીખ, બેંક અધિકારીની સહી-સિક્કા અને eKYC પ્રિન્ટ હશે. ઓનલાઈન પરમિટ કલરમાં પ્રિન્ટ કરીને સાથે રાખવી ફરજિયાત છે. રૂટ અને દિવસ પ્રમાણે પરમિટનો કલર કોડ અલગ રાખવામાં આવ્યો છે.

 

ઓફલાઈન નોંધણી માટે SBI, PNB, ICICI, J&K બેંક, યસ બેંક અને એક્સિસ બેંકની નિયત શાખાઓમાં CHC, આધારની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટા અને ફી સાથે અરજી કરવાની રહેશે. યાત્રા શરૂ કરતા પહેલા દરેક નોંધાયેલા યાત્રીએ જમ્મુ કે કાશ્મીર ડિવિઝનના નિયત સ્થળેથી RFID કાર્ડ મેળવવું ફરજિયાત છે.

(4:24 PM IST)