તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
હિમાચલ પ્રદેશમાં હવામાને કરવટ બદલી : ભારે હિમવર્ષા : લેહ-મનાલી હાઈવે બંધ, કુલ્લુ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિમલા, કુલ્લુ, કાંગડા, મંડી, હમીરપુર અને સિરમૌરમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી, પ્રવાસીઓને સાવચેત રહેવા સૂચના

શિમલા, તા. 15 : હિમાચલ પ્રદેશમાં હવામાને કરવટ બદલી છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા શરૂ થતા લેહ-મનાલી નેશનલ હાઈવે (NH-3) બંધ કરવામાં આવ્યો છે. રોહતાંગ પાસ, અટલ ટનલ, સિસ્સુ, કોકસર, દારચા થી સરચુ સુધી હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શિમલા, કુલ્લુ, કાંગડા, મંડી, હમીરપુર અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં ભૂસ્ખલન અને નદી-નાળાના જળસ્તર વધવાની શક્યતા છે.
સોલન, ચંબા અને લાહૌલ-સ્પીતિ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. નીચલા અને મધ્યમ પહાડી વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા 15 થી 17 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
લાહૌલ-સ્પીતિ પ્રશાસને મનાલી-કેલોંગ હાઈવે અટલ ટનલ થઈને આગામી આદેશ સુધી બંધ રાખ્યો છે. પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ રોકાઈ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના અપાઈ છે. પટલીકુહલથી મનાલી તરફ માત્ર ફોર-વ્હીલ ડ્રાઈવ વાહનોને જ જવાની છૂટ છે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, કુકુમસેરીમાં લઘુત્તમ તાપમાન 0.3 ડિગ્રી નોંધાયું છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
