<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

ઉત્તર ભારતમાં હવામાનનો પલટો: પાકિસ્તાન તરફથી આવતા તોફાની પવનો અને સિસ્ટમ સક્રિય થતાં ૧૦ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દિલ્હી-એનસીઆર, યુપી, પંજાબ અને હરિયાણામાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા : આઈએમડી દ્વારા વીજળી અને કરા પડવાની ચેતવણી

નવી દિલ્હી :  ચોમાસાની વિદાયની પ્રક્રિયા વચ્ચે ઉત્તર ભારતના હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.  હવામાન વિભાગ ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાંથી ઉદ્ભવેલી નવી હવામાન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ લાઇનને કારણે ઉત્તર ભારત પર વરસાદી વાદળો ઘેરાયા છે. સમુદ્ર સપાટીથી ૦.૯ કિલોમીટરની ઊંચાઈએ સક્રિય થયેલી આ રેખા દક્ષિણ જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલી છે. આ સિસ્ટમની સીધી અસર હેઠળ આવતીકાલે, ૧૨ ઓક્ટોબરે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત દેશના આશરે ૧૦ રાજ્યોમાં વાવાઝોડું, કાળા વાદળોની ગર્જના અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માત્ર ટ્રફ લાઇન જ નહીં પરંતુ ચક્રવાતી પરિભ્રમણ (સાઇક્લોનિક સરક્યુલેશન) પણ એકસાથે સક્રિય થયું છે. પાકિસ્તાન સરહદ નજીક ઉપરાંત દક્ષિણ બાંગ્લાદેશ, હરિયાણા અને દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠે ઉપરી હવાનું પરિભ્રમણ સર્જાયું છે. આ મજબૂત નેટવર્કને કારણે પંજાબ, હરિયાણા અને દિલ્હીના વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની અને ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે. પંજાબ અને હરિયાણાના સરહદી તથા ઉત્તરીય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે આઈએમડી દ્વારા યલો/ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખેડૂતોને લણાયેલા પાકની સુરક્ષા કરવા અને સિંચાઈ સ્થગિત રાખવા સુચના આપવામાં આવી છે.

પહાડી રાજ્યોમાં પણ આ સિસ્ટમની તીવ્ર અસર જોવા મળશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈ વાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફીલા પવનો ચાલવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેનાથી આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો પ્રભાવ વધશે. દિલ્હી અને ચંદીગઢમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની અને તેજ પવનો સાથે વરસાદ થવાથી ભેજવાળી ગરમીથી લોકોને મોટી રાહત મળવાની ધારણા છે.

(6:31 PM IST)