તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 15th November 2026
દેશભરમાં હવામાનનો પલટો: ઉત્તરથી પૂર્વ ભારતમાં માવઠાનું સંકટ અને વાવાઝોડાની ભારે ચેતવણી
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને ચક્રવાતી તોફાનને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ તથા ગાઢ ધુમ્મસનું એલર્ટ

નવી દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં હવામાનનો મિજાજ એકાએક પલટાયો છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ, ઉત્તર-પશ્ચિમ ભારતના પહાડી અને મેદાની વિસ્તારોથી લઈને પૂર્વ ભારત સુધી કમોસમી વરસાદ, વાવાઝોડું અને તેજ પવનોનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલા ચક્રવાતી તોફાનના કારણે દેશના અનેક રાજ્યોમાં હવામાનનું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે, જેના પગલે તાપમાનમાં પણ મોટો ફેરફાર નોંધાશે.
મળતી વિગતો અનુસાર, આગામી ૧૬ થી ૧૭ નવેમ્બર દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશમાં અને ૧૪ થી ૧૭ નવેમ્બર દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહેવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત, ૧૫ નવેમ્બરે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખમાં કેટલાક સ્થાનો પર વરસાદ પડી શકે છે. તેની સીધી અસર મેદાની રાજ્યો પર વર્તાતા દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે ૧૫ નવેમ્બરે પૂર્વ રાજસ્થાનમાં હળવા વરસાદની સાથે ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાશે અને આકાશમાં વીજળી ચમકવાની આશંકા છે.
બીજી બાજુ, પૂર્વ ભારતમાં પણ હવામાનની વ્યાપક અને ખતરનાક અસર જોવા મળશે. ૧૫ થી ૨૦ નવેમ્બર દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુઓ પર તેમજ ૧૯ થી ૨૦ નવેમ્બર દરમિયાન ઓડિશાના મોટા ભાગોમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે. ૧૫ થી ૧૬ નવેમ્બર દરમિયાન અંદમાન-નિકોબારમાં ક્યાંક-ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય, ૧૫-૧૬ નવેમ્બરે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ૧૮-૨૦ નવેમ્બરે ગાંગેય પશ્ચિમ બંગાળ, ૧૯-2૦ નવેમ્બરે ઝારખંડ અને ૧૮ નવેમ્બરે ઓડિશામાં છૂટોછવાયો વરસાદ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા હવે વધુ મજબૂત બનીને ડિપ્રેશન અને ત્યારબાદ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે, જે ૧૬ નવેમ્બરની સાંજ સુધીમાં દક્ષિણ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર વધુ તીવ્ર બનશે. આ તોફાનની ઘાતક અસરથી ઓડિશા અને બંગાળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ ત્રાટકી શકે છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારો અને નાગરિકોને દરિયાકાંઠે ન જવા તથા સંપૂર્ણ સાવચેત રહેવાની સખત અપીલ કરવામાં આવી છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
