તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Saturday, 3rd October 2026
વર્ષ ૨૦૧૫ પછીનું સૌથી નબળું ચોમાસું: દેશમાં અનિયમિત વરસાદને કારણે કૃષિ ક્ષેત્રે મોટો ફટકો પડવાની ભીતિ
અલ નીનોની અસર અને જળાશયોમાં પાણીની અછતને પગલે રેટિંગ એજન્સી ઈક્રાએ ચાલુ નાણાકીય વર્ષ માટે કૃષિ વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો.

નવી દિલ્હી : દેશમાં વર્ષ ૨૦૨૬ દરમિયાન નૈર્ઋત્યના ચોમાસામાં મોસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશના માત્ર ૮૭ ટકા નોંધાતાં ૨૦૧૫ પછીનું આ સૌથી નબળું ચોમાસું સાબિત થયું છે. અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રા (ICRA) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા અહેવાલ મુજબ અનિયમિત અને અપૂરતા વરસાદની સીધી અસર ખરીફ પાકના વાવેતર પર પડી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે કૃષિ, વનીકરણ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ૧.૩ ટકાથી ઘટાડીને ૧ ટકા કર્યો છે.
અહેવાલ અનુસાર, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન અલ નીનોની માઠી અસરના કારણે વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું. જૂનમાં સરેરાશ સામે ૬૦ ટકા, જુલાઈમાં ૧૦૩ ટકા, ઓગસ્ટમાં ૮૪ ટકા અને સપ્ટેમ્બરમાં ૯૩ ટકા વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને પૂર્વ-ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે અછત જોવા મળી છે, જેના કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં ખરીફ પાકનું વાવેતર અગાઉના વર્ષની સરખામણીએ ૧.૨ ટકા ઘટીને ૧૧.૦૭ કરોડ હેક્ટર રહ્યું છે.
મુખ્ય પાકોની વાત કરીએ તો ડાંગરના વાવેતર વિસ્તારમાં ૩.૬ ટકા અને કપાસમાં ૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. કઠોળ અને જાડા ધાન્યના વાવેતરમાં આંશિક સુધારો થયો હોવા છતાં આંધ્રપ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વાવેતર ક્ષેત્રે તીવ્ર ઘટાડો નોંધાયો છે. વાવેતર ક્ષેત્ર સરેરાશની નજીક હોવા છતાં વરસાદના સમય અને વિતરણમાં ગડબડને કારણે એકંદર ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.
દક્ષિણ અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં જળાશયોના પાણીનું સ્તર ઘટવાથી હવે રવી પાકની વાવણી સામે પણ મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે. ખાસ કરીને રવી ડાંગરના કુલ વાવેતરમાં ૯૮ ટકા હિસ્સો ધરાવતા દક્ષિણના રાજ્યો અને ઘઉંમાં ૩૧ ટકા હિસ્સો ધરાવતા પંજાબ તથા રાજસ્થાનમાં પાણીની અછતને કારણે સિંચાઈ આધારિત પાકોને મોટું નુકસાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈક્રાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ખેતીની ઉપજ ઘટવાથી અને ખેડૂતોની આવકમાં ઘટાડો થવાથી નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ચીજવસ્તુઓની માંગ મંદ પડી શકે છે. આ ઉપરાંત ખાદ્ય ચીજવસ્તુના પુરવઠા પર અસર પડવાથી આગામી દિવસોમાં ખાદ્ય ફુગાવો (મોંઘવારી) વધવાનું જોખમ પણ સતત વધી રહ્યું છે.
આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૬માં કૃષિ ક્ષેત્રે ૩.૩ ટકાનો વૃદ્ધિ દર નોંધાયો હતો, જેની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં આ દર ઘટીને માત્ર એક ટકા સુધી મર્યાદિત રહેવાનો અંદાજ છે. સરકારી યોજનાઓ અને આગામી દિવસોમાં રવી સીઝન દરમિયાન હવામાનની સ્થિતિ કેવી રહે છે તેના પર દેશના ગ્રામીણ અર્થતંત્રનો આધાર રહેશે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
