તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
૨૦૨૭ અને ૨૦૨૯ની ચૂંટણી જીતી જશું : ૨૦૩૦માં કોમનવેલ્થને યાદગાર - ઐતિહાસિક બનાવવાની નેમ - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિકસિત ગુજરાતમાં સંકલ્પને નવી ઉંચાઈએ લઈ જવા અવિરત ઉર્જા સાથે કાર્યરત અને ‘કોમનમેન' - ‘લો પ્રોફાઈલ' ની છાપ ધરાવતા મૃદુભાષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે :લોકપ્રશ્નો ઉકેલવાને પ્રાધાન્ય : લોકો મને પ્રશ્ન ગળે ઉતરાવી દયે તો તેનો ઉકેલ કે કામ પુરૂ કરતા મને કોઈ રોકી નહિ શકે : હવે મુખ્યમાર્ગો સિમેન્ટમાં બનશે એટલે ઓછા તુટશેઃ અમદાવાદ-સુરતના પૂરપીડિતો માટે સરકારે દિવસ-રાત એક કર્યો
અકિલા પરિવારના સ્વ.વિણાબેન, સ્વ.ભાવનાબેન (ધારાબેન) અને સ્વ.રાજુભાઈ (રાજેશભાઈ) ને યાદ કરી ભૂપેન્દ્રભાઈએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા : ભુપેન્દ્રભાઇની રગેરગમાં ગુજરાતનો વિકાસ અને જનકલ્યાણની ભાવના દોડી રહી છે : આને કહેવાય પારિવારિક સંબંધો - મુખ્યમંત્રી કોઈ પણ અધિકારી-મંત્રી-નેતાગણ વિના એકલા જ ‘‘અકિલા’’ કાર્યાલય ખાતે પધાર્યા : મુખ્યમંત્રીએ અકિલા પરિવારના સભ્યો સાથે ડીનર પણ લીધુ - ગરમા ગરમ ભજીયા અને ગાંઠીયા સહિતની વાનગીઓનો સ્વાદ માણ્યો

રાજકોટ,તા.૩: એક વખત મળ્યા પછી ક્યારેય ન ભૂલાય તેવું વ્યક્તિત્વ અને સરળ-મૃદુભાષી-મક્કમ સ્વભાવ ધરાવતા તેમજ વિકસિત ગુજરાતનાં સંકલ્પને નવી ઉંચાઈએ લઈ જવા અવિરત ઉર્જા સાથે રાજ્યની પ્રગતિ અને જનકલ્યાણ માટે સતત કાર્યરત એવા જનજનના હૃદયમાં સ્થાન પામેલા ‘કોમનમેન' શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે ૨૬૮ કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપવા માટે રાજકોટ પધાર્યા હતાં તે દરમ્યાન તેમણે પોતાના અતિવ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ‘અકિલા' ૫રિવારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પોતાના લો પ્રોફાઈલ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા એવા મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમ્યાન ઉક્ત સ્વભાવના તાદ્શ દર્શન કરાવ્યા હતાં. કોઈપણ વિવાદ વિના રાજ્યનું શાસન ચલાવવાની તેમની મૃદુ શૈલીએ જ તેમને પ્રજામાં લોકપ્રિય બનાવ્યા છે. અત્રે એ પણ નોંધનીય છે કે પીએમ મોદીએ પણ તેમની કાર્યશૈલીના અનેક વખત વખાણ કર્યા હતા. આવા ગુજરાતના પનોતા પુત્રને આવકાર આપી સમગ્ર અકિલા પરિવાર ગૌરવવંત થયો હતો. લગભગ સવા કલાક સુધી ચાલેલી આ મુલાકાત દરમ્યાન તેમણે પોતાની સાદગી-વિનમ્રતા અને માયાળુ સ્વભાવે ઉપસ્થિત સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. આ મુલાકાત દરમ્યાન તેમની રગેરગમાં ગુજરાતનો વિકાસ અને જનકલ્યાણની ભાવના દોડી રહી હોય તેમ જણાયું હતું. ‘અકિલા' ના આંગણે અત્યાર સુધી રાજ્યના લગભગ તમામ મુખ્યમંત્રીઓ શુભેચ્છા મુલાકાતે આવી ચુક્યા છે પણ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક આગવી છાપ ઉભી કરી છે. તેવું સ્પષ્ટ રીતે જણાવ્યું હતું આ મુલાકાત દરમ્યાન તેમણે ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા તથા વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઈ ગણાત્રા સાથે રાજકીય, વહીવટી, સામાજીક અને લોકપ્રશ્નો અંગે ખુલ્લા દિલથી ચર્ચા-વિચારણા કરી હતી.
તેમની આ મુલાકાત ‘અકિલા' પરિવાર માટે યાદગાર રહી હતી. આ પારિવારિક મુલાકાત દરમ્યાન તેમણે ‘અકિલા' પરિવારના સભ્યો સાથે રાજકોટની સુપ્રસિધ્ધ વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો. વાતચીત દરમ્યાન તેમણે ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી અને ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીમાં ઝળહળતી સફળતા મેળવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી ૨૦૩૦માં કોમનવેલ્થને યાદગાર બનાવવાની પણ નેમ વ્યક્ત કરી હતી.
રાજ્યના પ્રભાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે શહેરના ભરચક્ક કાર્યક્રમો વચ્ચે સમય કાઢી અકિલા પરિવારની પારિવારિક મુલાકાતે પધાર્યા હતા. લગભગ સવા કલાકની તેમની આ મુલાકાત જીવનભર યાદ રહી જાય તેવી અવિસ્મરણીય રહી હતી. અત્યંત સાદગીભર્યા અને અત્યંત સરળ, માયાળુ સ્વભાવે અકિલા પરિવારના સભ્યનું દિલ જીતી લીધું હતું. અત્યંત બાળ સહજ તેમનું નિખાલસ હાસ્ય અને દ્રઢ મક્કમતા સહુને સ્પર્શી ગયેલ.
આ મૂઠી ઉચેરા માનવી સાથે અનેકવિધ બાબતો ઉપર નિખાલસ અને યાદગાર ચર્ચા કરી હતી. તેમણે અકિલા પરિવારના શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજીતભાઈ ગણાત્રા અને શ્રી નિમિષભાઈ ગણાત્રા સાથે ખૂબ નિખાલસથી વાતો કરી હતી.

સહુ માટે અચંબો સર્જનારી વાત એ રહી કે રાત્રે ૯ વાગ્યા આસપાસ અકિલા કાર્યાલયે પોતે શહેરના કોઈપણ પદાધિકારીઓ વિના એકલા જ આવેલ અને સવા-દોઢ કલાક રોકાયા, પરિવારને મળ્યા, ગરમાગરમ ભજીયા અને ન્યુ કૈલાશના ગાંઠીયા, સમોસા, બ્રેડ બટર તમામ ટેબલ ઉપર રાખેલ વાનગીઓ ખૂબ જ પ્રેમથી જમ્યા હતા. ભુપેન્દ્રભાઈની આ વિનમ્રતા, સહજતા અને પારિવારિક લાગણીએ સહુને તરબોળ કરી દીધા હતા.
ભૂપેન્દ્રભાઇએ કિરીટભાઈ, અજીતભાઈ, નિમિષભાઈ સાથેની આત્મિય વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં હવે ક્રમબધ્ધ સીમેન્ટના રસ્તાઓ કરવાનું આયોજન તરત અમલમાં મુકાશે જેથી હાલની રસ્તાઓ ખરાબ થઈ જવાની ફરીયાદો ઉભી ગઈ રહી છે તેને ડામી શકાય. તેમણે હાલના અવારનવાર બગડી જતા રસ્તાઓ અંગે ગંભીર ચિંતા દર્શાવી હતી. અને આ સમસ્યા ભવિષ્યમાં દૂર થશે તેવી શ્રધ્ધા દર્શાવી હતી.
ખૂબ જ માયાળુ એવા ગુજરાતના આ મુખ્યમંત્રી દ્રઢ નિヘય ધરાવે છે. ભૂપેન્દ્રભાઇએ વાતચીત દરમિયાન કહેલ કે ૨૦૩૦માં કોમનવોલ્થ રમતો યોજાશે તે પૂર્વે વિધાનસભા (૨૦૨૭) અન. લોકસભા (૨૦૨૯) બે મહત્વની ચૂંટણીઓ આવે છે. પરંતુ સરકારની પૂરી તૈયારી છે અને કોમનવેલ્થ રમતોત્સવ ખૂબ જ સરસ અને યાદગાર બની રહેશે તેવી પૂરી શ્રધ્ધા છે.
વાતચીત દરમિયાન ભૂપેન્દ્રભાઈએ સ્પષ્ટ કહ્યું હતું કે મારી પાસે કોઈપણ રજૂઆત કરનાર આવનારને સ્પષ્ટ કહું છું કે લોકહિત સાથે સંકળાયેલા પ્રશ્નો-સમસ્યા મને ગળે ઉતરાવો, જો મને આ વાત ગળે ઉતરશે તો આ કામ પુરૂ કરતા દુનિયાની કોઈ તાકાત મને રોકી નહિ શકે. પણ જો મને જ તમારી વાત વ્યાજબી ન લાગે, કે સમજાવી ન શકો તો એ બાબતે મારી પાસે કોઈ આશા ન રાખવી.
શ્રી ભૂપેન્દ્રભાઈના એકમાત્ર પુત્ર શ્રી અનુજભાઈ ઉપર બ્રેઈન સ્ટ્રોક આવી ગયેલ અને હાલમાં તેમની તબિયત ખૂબ સારી થતી જાય છે. અનુજભાઈની તબિયત અંગે ખબરઅંતર પૂછતા તેઓશ્રી ખૂબ જ લાગણીસભર બની ગયેલ. તેમણે કહેલ કે કિરીટભાઈ ઈશ્વરની ગતી પાસે કોઈનું ચાલતું નથી. અમારી નજર સામે એક જ સેકન્ડમાં અમારું જીવન પલ્ટી ગયું આજે હવે અનુજભાઈની તબિયત ખૂબ જ સારી છે, રીકવરી ખૂબ સારી છે તેનો અમને સહુને આનંદ છે.
અમદાવાદ સહિત ઉ.ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં લીમીટ બહારના વરસાદ અને વરસાદી હૈનારત બાબતે ભૂપેન્દ્રભાઈ અને મંત્રીમંડળ જે રીતે સ્થળ પર દોડી ગયા અને લોકોની પડખે ઉભા રહ્યા તેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે, વેપારીઓને ઝડપભેર રાહત પેકેજ અપાયું તે અંગે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
અકિલા પરિવારના સ્વ.વિણાબેન, સ્વ.વિણાબેન, સ્વ.ભાવનાબેન (ધારાબેન) અને સ્વ.રાજુભાઈ (રાજેશભાઈ) ને યાદ કરી ભૂપેન્દ્રભાઈએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અકિલાના આંગણે પધારેલા રાજ્યના ઉર્જાવાન, ધર્મ પરાયણ અને મક્કમ મનોબળ સાથે ૫-૫ વર્ષથી ગુજરાતની ધરા સફળતાપૂર્વક સંભાળી રહેતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અકિલા પરિવારની યાદગાર મુલાકાતની અવિસ્મરણીય તસ્વીરો. ગઈરાત્રે પોતાના ભરચક્ક કાર્યક્રમો વચ્ચે અકિલા પરિવાર સાથે સવા કલાક સમય વિતાવી સહુ કોઈને રસ તરબોળ કરી દીધેલ. તસ્વીરમાં ભૂપેન્દ્રભાઈની લાક્ષણિક નિર્મળ હાસ્ય સાથેની તસ્વીર સહુના હૃદય ઉપર અમીર છાપ છોડી જાય છે. અકિલા પરિવારની પૌત્રીઓ ચિ.ધન્વી અને ચિ.માહીએ કુમકુમ તિલક અને ફૂલહારથી મુખ્યમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું. અકિલા પરિવારના કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, અને નિમિષભાઈ ગણાત્રા સાથેની ચર્ચા-વિચારણા સહિતની લાક્ષણીક તસ્વીરો. અન્ય તસ્વીરોમાં પરિવારના સ્મિતાબેન સુનિલભાઈ રાયચુરાપ સુનિલભાઈ રાયચુરા, શ્રીમતી કિરણબેન નિમિષભાઈ ગણાત્રા નજરે પડે છે. (તસ્વીરો : અશોક બગથરીયા, સંદિપ બગથરીયા અને અભિજીત બગથરીયા - અકિલા)
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
