તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
"પાતાળમાંથી પણ શોધી કાઢીશું": જલપાઈગુડીમાં અમિત શાહનો TMCના ગુંડાઓને સીધો પડકાર
કેન્દ્રીય ગૃહમંત્રીએ ભ્રષ્ટાચાર, સિન્ડિકેટ માફિયા અને કટ-મની મુદ્દે મમતા સરકાર પર કર્યા આકરા પ્રહારો : ચાના બગીચાના કામદારો માટે કર્યા મોટા વાયદા

જલપાઈગુડી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના જંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જલપાઈગુડીની ધરતી પરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિરુદ્ધ રણશિંગુ ફૂંક્યું છે. તેમણે મમતા બેનર્જીના શાસન પર આકરા પ્રહારો કરતા ચેતવણી આપી હતી કે, "ચૂંટણી પછી TMCના ગુંડાઓને પાતાળમાંથી પણ શોધી કાઢીશું અને તેમને ઊંધા લટકાવી દઈશું." શાહે આરોપ લગાવ્યો કે જલપાઈગુડી અને રાજગંજમાં ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે, જેનો અંત માત્ર ભાજપ જ લાવી શકે છે. તેમણે પૂર રાહત ભંડોળના ₹100 કરોડના કથિત ઉચાપત મામલે પણ TMC નેતાઓને ભીંસમાં લીધા હતા.
મમતા બેનર્જી પર કટાક્ષ કરતા શાહે જણાવ્યું કે જલપાઈગુડી તેની કુદરતી સંપત્તિ અને પર્યટન માટે જાણીતું હતું, પરંતુ મમતા દીદીએ તેમાં 'આંસુ' ઉમેરીને જનતાને પીડા આપી છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે 23 એપ્રિલે EVM પર કમળનું બટન દબાવી મમતા સરકાર સાથે હિસાબ ચુક્તે કરે. સાથે જ તેમણે વચન આપ્યું હતું કે ભાજપ સત્તા પર આવતા જ ચાના બગીચાના કામદારોના વેતનમાં ધરખમ વધારો કરી તેને ₹500 થી વધુ કરવામાં આવશે અને તેમને જમીનના પટ્ટા (લીઝ) આપી સશક્ત બનાવવામાં આવશે.
ગોરખા સમુદાય અને ઘૂસણખોરીના મુદ્દાઓ પર ભાર મૂકતા અમિત શાહે સ્પષ્ટ કર્યું કે ભાજપ ચૂંટણી બાદ ગોરખા સમસ્યાનો કાયમી બંધારણીય ઉકેલ લાવશે અને તમામ ખોટા કેસો પરત ખેંચશે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે બંગાળમાં ઘૂસણખોરોને એક-એક કરીને બહાર કાઢવામાં આવશે. પ્રવચનના અંતે તેમણે વિવાદાસ્પદ મુદ્દાઓ પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં કોઈને પણ ચાર લગ્ન કરવાની કે બાબરી મસ્જિદ જેવું બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
