તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
અમારો અને ભારતનો DNA એક જ છેઃ અફઘાન મંત્રીના નિવેદનથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
અફઘાનિસ્તાને ભારત પ્રત્યે અગાધ પ્રેમ અને અતૂટ મિત્રતાનો હાથ લંબાવ્યો

નવી દિલ્હી, તા.૧૧: પાકિસ્તાન સાથે સરહદી વિવાદો અને આતંકવાદના મુદ્દે સળગતા સંબંધો વચ્ચે અફઘાનિસ્તાને ભારત પ્રત્યે અગાધ પ્રેમ અને અતૂટ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના કળષિ અને પશુપાલન મંત્રી મૌલવી અત્તાઉલ્લાહ ઓમારીએ એક એવું સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે જે ઇસ્લામાબાદની ઊંઘ ઉડાવી દેવા માટે પૂરતું છે. નવી દિલ્હીમાં આયોજિત એક ભવ્ય વેપાર સંમેલનમાં અફઘાન મંત્રીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે ભારત અને અફઘાનિસ્તાન માત્ર રાજદ્વારી ભાગીદાર નથી, પરંતુ બંને દેશોનો ઇતિહાસ, સંસ્કળતિ અને સભ્યતા એટલી ભળેલી છે કે બંનેનો ડીએનએ બિલકુલ એક સમાન છે. તેમણે ઉમેર્યું કે ભારતની ધરતી પર પગ મૂકતા જ તેમને જરાય પરાયાપણું નથી લાગ્યું અને તેઓ પોતાના જ ઘરમાં પોતાના જ લોકો વચ્ચે હોય તેવો ભવ્ય અહેસાસ થઈ રહ્યો છે.
વિદેશ મંત્રાલયના સહયોગથી યોજાયેલા ભારત-અફઘાનિસ્તાન બિઝનેસ સત્રમાં અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે ભારતીય સંસ્કળતિ અને અહીંના અદભુત આતિથ્ય સત્કારના મન ભરીને વખાણ કર્યા હતા. મંત્રી ઓમારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની ૮૦ ટકા વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, અને યુદ્ધની વિભીષિકામાંથી બહાર આવી રહેલા અફઘાનિસ્તાનને આધુનિક ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણ માટે ભારત જેવા સાચા અને વિશ્વાસુ મિત્રની સખત જરૂર છે. ભારતમાં તેમને જે સન્માન અને ઉષ્મા મળી છે, તે અફઘાનિસ્તાનના કરોડો નાગરિકો માટે એક ઉજ્જવળ અને શાંતિપૂર્ણ ભવિષ્યની નવી આશા લઈને આવી છે, જેનાથી બંને દેશો વચ્ચે આર્થિક અને સામાજિક ભાગીદારીનો નવો અધ્યાય શરૂ થશે.
ભૌગોલિક-રાજકીય દ્રષ્ટિએ આ મુલાકાત અને નિવેદન અત્યંત સૂચક માનવામાં આવે છે, કારણ કે ડ્યુરન્ડ લાઇન અને આતંકવાદી સંગઠનોના મુદ્દે હાલ કાબુલ અને ઇસ્લામાબાદ વચ્ચે બંદૂકો તણાયેલી છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડીને ભારતે નવી દિલ્હીમાં ભારત-અફઘાનિસ્તાન સંયુક્ત સમિતિની ચોથી બેઠક યોજીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત અફઘાનિસ્તાનના વિકાસમાં મોટો હિસ્સેદાર બનવા તૈયાર છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં માનવતાવાદી સહાય, ખાદ્ય સુરક્ષા, ડિજિટલ એગ્રીકલ્ચર, શિક્ષણ, સ્પોર્ટ્સ અને આરોગ્ય સેવાઓ જેવા અતિ મહત્વના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે કરોડોના રોકાણ અને રોડમેપ પર સહમતિ સાધવામાં આવી છે, જે પાકિસ્તાન માટે બહુ મોટો રાજદ્વારી ઝટકો છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
