<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

"અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે" - મમતા બેનર્જીનો ચૂંટણી પંચ અને ભાજપ પર 'જીત ચોરી' કરવાનો સનસનાટીભર્યો આરોપ

રાજીનામું આપવાનો સાફ ઈનકાર કરતા તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ કેન્દ્રીય દળો અને પીએમ મોદી પર પ્રહાર કર્યા : ૧૦ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી રસ્તા પર ઉતરવાની જાહેરાત

 કોલકાતા:  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આંચકાજનક પરિણામો બાદ મમતા બેનર્જીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી હારી નથી, પરંતુ તેને હરાવવામાં આવી છે." તેમણે ભાજપ પર ચૂંટણી પંચનો દુરુપયોગ કરીને જીત હાંસલ કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે તેમની લડાઈ ભાજપ સામે નહીં પણ ચૂંટણી પંચ સામે હતી, જેણે આ ચૂંટણીમાં 'મુખ્ય વિલેન'ની ભૂમિકા ભજવી છે.

  ચૂંટણી પંચ અને કેન્દ્રીય નેતૃત્વ પર આકરા પ્રહાર  

મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા ૯૦ લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા હતા અને ભાજપે ૧૦૦ જેટલી બેઠકો પર 'લૂંટ' ચલાવી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે આ બંને નેતાઓએ મળીને અમને હરાવવા માટે તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ૨૦૦૪ પછી તેમણે આવો અત્યાચાર ક્યારેય જોયો નથી અને ભાજપના કાર્યકરો દ્વારા તેમના કાર્યકરો પર હુમલા કરવામાં આવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.

  રાજીનામું નહીં આપવાની મક્કમતા  

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના સવાલ પર મમતા બેનર્જીએ મક્કમતાથી કહ્યું કે, "મારા રાજીનામાનો સવાલ જ ઊભો થતો નથી. અમે નૈતિક રીતે જીત્યા છીએ." તેમણે રાજભવન જવાની ના પાડી દીધી હતી અને લોકભવન જઈને રાજીનામું નહીં આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ હવે આઝાદ પક્ષીની જેમ છે અને ભાજપના અત્યાચાર સામે રસ્તા પર ઉતરીને લડત આપશે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન તેમના પર પણ હુમલો થયો હતો અને તેમની પીઠ તથા પેટ પર લાત મારવામાં આવી હતી.

  ઈન્ડિયા બ્લોકનું સમર્થન અને ભવિષ્યની રણનીતિ  

મમતા બેનર્જીએ જણાવ્યું કે ઈન્ડિયા બ્લોકના તમામ નેતાઓ તેમની સાથે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન અને તેજસ્વી યાદવે તેમને ફોન કરીને સમર્થન જાહેર કર્યું છે. અખિલેશ યાદવ પણ તેમની મુલાકાતે આવવાના છે. ચૂંટણીમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ માટે તેમણે ૧૦ સભ્યોની 'ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી'ની રચના કરી છે, જે પક્ષના કબજે કરાયેલા દફતરોની મુલાકાત લેશે. તેમણે અંતમાં ઉમેર્યું કે અભિષેક બેનર્જીની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી છે અને તેઓ આ લોકશાહીની હત્યા સામે લડવાનું ચાલુ રાખશે.

(4:55 PM IST)