<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

'અમે પહાડો છોડ્યા નથી, પણ સરકારે અમારો સાથ છોડ્યો': ૩૮મી નેશનલ ગેમ્સના ૨૦ મહિના પછી પણ મહેનતાણું ન મળતાં લોકપ્રિય બેન્ડ 'પાંડવાસ'નો આક્રોશ, મુખ્યમંત્રી ધામી પાસે માગી મદદ

સીએમ હેલ્પલાઈનથી લઈને રમતગમત મંત્રી સુધી ગુહાર્ લગાવવા છતાં પરિણામ શૂન્ય; ફોન અને મેસેજનો જવાબ આપવાનું પણ બંધ કરાતાં યુવા કલાકારો સોશિયલ મીડિયાના શરણે જઈ ન્યાયની ગુહાર લગાવી

દેહરાદૂન : ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાંથી મોટા પાયે થઈ રહેલા સ્થળાંતર (Out-migration) વચ્ચે પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલા રહીને લોકસંસ્કૃતિને વૈશ્વિક ઓળખ અપાવનારા યુવા કલાકારો આજે સરકારી ઉદાસીનતાનો ભોગ બન્યા છે. ઉત્તરાખંડના જાણીતા અને લોકપ્રિય ફોક-ફ્યુઝન બેન્ડ 'પાંડવાસ' (Pandavaas) એ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને એક ભાવુક જાહેર અપીલ કરી છે. બેન્ડનો આરોપ છે કે ૩૮મી નેશનલ ગેમ્સ (રાષ્ટ્રીય રમતોત્સવ) દરમિયાન તેમણે કરેલા વિશિષ્ટ કાર્યનું મહેનતાણું લગભગ ૨૦ મહિના (બે વર્ષ) વીતી જવા છતાં હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી.

 

'હલ્લા ધૂમ ધડાકા' થીમ સોંગ અને મશાલ યાત્રાથી ગુંજાવ્યું હતું રાજ્ય

 

વર્ષ ૨૦૦૮માં સ્થાપિત થયેલા આ બેન્ડે ૨૦૨૫માં યોજાયેલી ૩૮મી નેશનલ ગેમ્સ માટે અધિકૃત થીમ સોંગ "હલ્લા ધૂમ ધડાકા" (Halla Dhoom Dhadakka) તૈયાર કર્યું હતું. આ ઉપરાંત, બેન્ડે રાજ્યભરમાં નીકળેલી 'મશાલ યાત્રા' (ટોર્ચ રિલે) અને ઉદ્ઘાટન સમારોહમાં પોતાની શાનદાર પ્રસ્તુતિ આપીને સમગ્ર ભારતમાંથી આવેલા પ્રેક્ષકો સમક્ષ ઉત્તરાખંડની ભવ્ય સાંસ્કૃતિક ઓળખ રજૂ કરી હતી. ડિસેમ્બર ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલા આ કામના બિલો સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અટકાવી રાખવામાં આવ્યા છે.

 

સત્તાવાર માધ્યમો નિષ્ફળ જતાં સોશિયલ મીડિયા પર આવવા મજબૂર

 

બેન્ડના સભ્યોએ જણાવ્યું કે ચૂકવણી મેળવવા માટે તેમણે તમામ સત્તાવાર માધ્યમોનો ઉપયોગ કર્યો હતો. મુખ્યમંત્રી હેલ્પલાઈનમાં કરવામાં આવેલી પ્રથમ ફરિયાદનો કોઈ ઉકેલ લાવ્યા વગર જ કેસ બંધ કરી દેવાયો હતો, જ્યારે બીજી ફરિયાદ હજુ પણ પડતર છે. રમતગમત વિભાગ, રમતગમત મંત્રી અને સીએમ નિવાસસ્થાનના હેલ્પલાઈન ડેસ્ક સુધી રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. શરૂઆતમાં બજેટની અછતનું કારણ આપી સહકાર માંગવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકારી અધિકારીઓ ફોન કે મેસેજનો જવાબ આપવાનું પણ બંધ કરી ચૂક્યા છે.

 

'જો અન્ય વિક્રેતાઓને નાણાં મળ્યા, તો અમારું ચૂકવણું કેમ બાકી?'

 

"જો અન્ય કલાકારો અને વિક્રેતાઓ (વેન્ડર્સ)ની ચુકવણી થઈ ગઈ હોય, તો 'પાંડવાસ'નું ચુકવણું શા માટે બાકી રાખવામાં આવ્યું છે?" તેવો તીખો સવાલ બેન્ડે પોતાના પત્રમાં કર્યો છે. ઉત્તરાખંડના ૭૩૪થી વધુ ગામડાં સંપૂર્ણપણે વસ્તીવિહીન (Ghost Villages) બની ગયા છે, તેવા સમયે રાજ્યમાં જ રહીને 'માંગલ', 'રંચના' અને 'ધુન્યાલ' જેવા પ્રોજેક્ટ્સ દ્વારા સંસ્કૃતિનું જતન કરનારા કલાકારો સાથે આવો વ્યવહાર દુઃખદ છે. બેન્ડે મુખ્યમંત્રી ધામીને અંગત હસ્તક્ષેપ કરી તેમના હકની રકમ ત્વરિત ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

(7:44 PM IST)