<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

'અમને ભીખ કે મદદ નહીં, પણ કાનૂની ન્યાય અને વળતર જોઈએ છે': હિમાલયની સુનામી બાદ નેપાળનું ભારત, ચીન અને અમેરિકા સામે આક્રમક વલણ; આબોહવા પરિવર્તનના ભોગ બન્યા બાદ મોટો દાવો

વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં નહિવત ફાળો હોવા છતાં કુદરતી આપત્તિની સૌથી મોટી કિંમત ચૂકવી રહેલા નેપાળે ૫ અબજ ડોલરના ક્લાઈમેટ વળતરની કરી માંગ; હજારો લોકોના મોત અને ગુમ થવાની ઘટનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ

કાઠમંડુ : હિમાલયની ગોદમાં આવેલા પડોશી દેશ નેપાળમાં સર્જાયેલી એક વિનાશક કુદરતી આપત્તિ બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો છે. નેપાળ-તિબેટ સરહદ પર થયેલા ભયાનક ગ્લેશિયર પતન અને તેના કારણે આવેલી પ્રલયકારી પૂરની સ્થિતિએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં ૧,૦૦૦ થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને અંદાજે ૪,૦00 લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક તારાજી બાદ નેપાળ સરકારે પોતાની પરંપરાગત વિદેશી સહાયની નીતિમાં આમૂલ ફેરફાર કરીને ભારત, ચીન અને અમેરિકા જેવા વિશ્વના ટોચના કાર્બન ઉત્સર્જક દેશો સામે સીધી કાયદેસરની આબોહવા વળતર (Climate Compensation) ની માંગ ઉઠાવી છે.

 

કાઠમંડુ પોસ્ટ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનાલે અત્યંત આક્રમક અંદાજમાં સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં નેપાળનો ફાળો નહિવત સમાન છે, છતાં અન્ય દેશોના કારણે સર્જાયેલા આબોહવા સંકટની સૌથી મોટી કિંમત અમારે ચૂકવવી પડી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "અમને કોઈપણ પ્રકારની માનવતાવાદી મદદ કે ભિક્ષા જોઈતી નથી, પરંતુ અમારો હેતુ ન્યાય અને કાનૂની જવાબદારી તરાશવાનો છે." નેપાળના નાણા મંત્રાલયે આ દિશામાં મોટું પગલું ભરતા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સમક્ષ સત્તાવાર રીતે "આબોહવા વળતર દાવા ફોર્મ" જારી કરી દીધા છે, જેમાં ચીન વિશ્વમાં સૌથી મોટો, અમેરિકા બીજા અને ભારત ત્રીજા નંબરનો ઉત્સર્જક હોવાથી તેઓ નેપાળ જેવા સંવેદનશીલ રાષ્ટ્રને વળતર ચૂકવવા નૈતિક અને ઐતિહાસિક રીતે જવાબદાર હોવાનું જણાવ્યું છે.

 

હિમાલયની સુનામી અને યુએન પાસે ૫ અબજ ડોલરની માંગ

વિદેશ મંત્રી ખાનાલે આ આપત્તિને સામાન્ય પૂર ગણાવવાનો ઇનકાર કરતા તેને 'હિમાલયની સુનામી' તરીકે ઓળખાવી છે. ગત ૨૬ ઓગસ્ટના રોજ ભોટેકોશી અને ત્રિશુલી નદીઓમાં ૨૦ થી ૩૦ મીટર ઊંચા પાણીના મોજા ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ ઉછળ્યા હતા, જેના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. વૈજ્ઞાનિકો અને સરકારનું માનવું છે કે માનવ-સર્જિત ક્લાઈમેટ ચેન્જે આ સ્થિતિને અત્યંત ભયાનક બનાવી છે. આ દુર્ઘટનાના પુનઃનિર્માણ અને પ્રભાવિતોની સહાય માટે નેપાળે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ક્લાઈમેટ ડિઝાસ્ટર રિકવરી ફંડ પાસેથી તાત્કાલિક ૫ અબજ ડોલરના નાણાકીય પેકેજની માંગ કરી છે.

 

આ પ્રલયકારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નેપાળમાં ૯૮૭ અને તિબેટમાં ૧૬ લોકો સહિત કુલ ૧,૦૦૩ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે આશરે ૪,૦૦૦ લોકો હજુ પણ લાપતા છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૫૮ ભારતીય નાગરિકોને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે ૨૭૫ થી વધુ ભારતીયો હજુ પણ ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલુ છે. હિમાલયના ગ્લેશિયર્સ ઓગળવાના કારણે ભવિષ્યમાં ગંગા અને ત્રિશુલી જેવી નદીઓ પર નભતા દક્ષિણ એશિયાના ૨ અબજથી વધુ લોકોની પાણીની સુરક્ષા સામે પણ મોટો ખતરો તોળાઈ રહ્યો છે.

(8:01 PM IST)