<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

"આ શિયાળામાં આપણે નસીબદાર છીએ, ફેફસાંને થોડી રાહત મળી છે": દિલ્હી-NCR પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનું મહત્વનું અવલોકન

વાયુ પ્રદૂષણની સુનાવણી દરમિયાન કોર્ટે કુદરતને શ્રેય આપતા દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાન પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો : તેમજ આગામી પાંચ વર્ષમાં વાણિજ્યિક વાહનોનો પ્રવેશ અટકાવવા સરહદ પર સ્ટોરેજ વ્યવસ્થા ઊભી કરવા સૂચન કર્યું છે

નવી દિલ્હી:  દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે આ શિયાળામાં લોકો ભાગ્યશાળી છે અને તેમના ફેફસાંને થોડી રાહત મળી છે. કોર્ટે આ રાહત માટે કુદરતને પણ શ્રેય આપ્યો હતો અને સાથે જ દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા તથા રાજસ્થાનના એડવોકેટ જનરલોને આગામી સુનાવણીમાં હાજર રહેવા નિર્દેશ આપી તમામ રાજ્યો પાસેથી વાયુ પ્રદૂષણ અંગેનો સ્ટેટસ રિપોર્ટ તલબ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તાત્કાલિક બંધનકર્તા પ્રતિબંધો લાદવાને બદલે પ્રદૂષણ નિયંત્રણ માટે લાંબા ગાળાની નક્કર વ્યૂહરચનાઓનો અમલ કરવો જરૂરી છે.

સુનાવણી દરમિયાન એક વકીલે રજૂઆત કરી હતી કે વાણિજ્યિક વાહનોથી થતા પ્રદૂષણમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ અંગે મુખ્ય ન્યાયાધીશે (CJI) ટિપ્પણી કરતા કહ્યું કે દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓની હેરફેર માટે વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે, તેથી આગામી પાંચ વર્ષમાં વાણિજ્યિક વાહનોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટે સરહદ પર જ માલસંગ્રહ (સ્ટોરેજ) ની સુવિધા ઊભી કરવા અંગે વિચારવું જોઈએ, જેથી આ વર્ષે નહીં તો આવતા વર્ષથી તેના પર કામ શરૂ થઈ શકે.

વાહનોના નિયમો અંગે વલણ સ્પષ્ટ કરતા CJI એ જણાવ્યું કે હાલના તબક્કે કોઈ નવો કડક પ્રતિબંધ લાદવાથી ગંભીર પરિણામો આવી શકે છે, પરંતુ ભવિષ્યમાં દિલ્હીમાં અને ઓછામાં ઓછા સમગ્ર NCR વિસ્તારમાં માત્ર BS-VI વાહનો જ દોડે તેવું કોર્ટ ઈચ્છે છે. આ ઉપરાંત, વાહનોના PUC ટેસ્ટ બંધ કરવામાં આવ્યા હોવાની વકીલની રજૂઆત પર કોર્ટે તે વ્યવસ્થાને હાલ યથાવત રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

(6:43 PM IST)