તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
મુંબઈના તળાવોમાં પાણીની આવક વધી છતાં તંત્ર સખત: જળસ્તર ૪૧ ટકાએ પહોંચવા છતાં ૧૦% પાણી કાપ યથાવત
વિહાર અને તુલસી તળાવ છલકાયા, મુંબઈગરાંને ઓક્ટોબર સુધી ચાલે તેટલો પાણીનો સ્ટોક ઉપલબ્ધ; હવામાન વિભાગ દ્વારા ગુરુવારથી 'યલો એલર્ટ'ની આગાહી

મુંબઈ : મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે મહાનગરને પાણી પૂરું પાડતા જળાશયોમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. કેચમેન્ટ વિસ્તારોમાં થયેલા સંતોષકારક વરસાદને પગલે સાત મુખ્ય તળાવોનું સરેરાશ સ્તર વધીને ૪૧.૩૬ ટકા સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર ૨૪ કલાકમાં જ પાણીના સંગ્રહમાં લગભગ ૧૩ ટકાનો ધરખમ વધારો નોંધાયો છે, જેનાથી મુંબઈગરાં માટે વધુ ૪૦ દિવસ ચાલે તેટલું પાણી જમા થઈ ગયું છે.
આ સારા સમાચાર વચ્ચે પણ બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ મુંબઈમાં લાગુ કરાયેલો ૧૦ ટકા પાણી કાપ હાલમાં યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે રાત્રે મુંબઈના બે પ્રખ્યાત તળાવો, 'વિહાર' અને 'તુલસી' તેમની સંપૂર્ણ ક્ષમતાએ પહોંચીને છલકાઈ (ઓવરફ્લો) ગયા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય ઓક્ટોબર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ ઉનાળા દરમિયાન જળસ્તર તળિયે બેસી ગયું હોવાથી અને ચોમાસાની શરૂઆતની નબળી આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર અત્યારે કોઈ જોખમ લેવા માંગતું નથી.
જુલાઈના અંત સુધી રાહ જોવી પડશે
બીએમસીના હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, "આગામી દિવસોમાં વરસાદની જોર ઘટવાની સંભાવના છે. જ્યાં સુધી સાતેય તળાવો સંપૂર્ણ રીતે ઓવરફ્લો નહીં થાય, ત્યાં સુધી પાણી કાપ પાછો ખેંચવામાં આવશે નહીં. આ અંગેનો અંતિમ નિર્ણય લેવા માટે મુંબઈગરાંએ ઓછામાં ઓછી જુલાઈના અંત સુધી રાહ જોવી પડશે." હાલમાં સાતેય તળાવોમાં કુલ ૫.૯૮ લાખ મિલિયન લિટર (ML) પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે કુલ ક્ષમતા ૧૪.૪૭ લાખ મિલિયન લિટરની છે.
બીજી તરફ, હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, બુધવારે મુંબઈ અને થાણેમાં ઓરેન્જ એલર્ટ જ્યારે પાલઘર-રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જોકે, ગુરુવાર એટલે કે ૯ જુલાઈથી વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે અને સમગ્ર પ્રદેશ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. તળાવોની વર્તમાન સ્થિતિ જોઈએ તો મોદક સાગર ૭૨% અને તાનસા ૬૯% સુધી ભરાઈ ચૂક્યા છે, જ્યારે ભાત્સા અને મધ્ય વૈતરણામાં હજુ પણ પાણીની આવક ધીમી છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
