તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
સ્માર્ટફોન યુઝર્સ માટે ચેતવણી: મોંઘાદાટ ફોન, ચિપની અછત અને મોંઘા રિપેરિંગના જમાનામાં શું હવે મોબાઈલ વીમો ખરીદવો અનિવાર્ય બની જશે?
એઆઈ ડેટા સેન્ટર્સના કારણે મેમરી ચિપના ભાવ આસમાને પહોંચતા સ્માર્ટફોનની કિંમતોમાં ૩૦% સુધીનો વધારો શક્ય: હવે નવો ફોન લેવા કરતાં 'સ્માર્ટફોન પ્રોટેક્શન પ્લાન' લેવો સૌથી સમજદારીભર્યો નિર્ણય

મુંબઈ, તા.૧૬: જો તમે પણ તમારો સ્માર્ટફોન અવારનવાર બદલવાને બદલે ત્રણ-ચાર વર્ષ સુધી વાપરવાની ટેવ ધરાવો છો, તો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં વધતી મેમરી ચિપ્સની અછતને કારણે સ્માર્ટફોનની કિંમતો આસમાને પહોંચી રહી છે. આ બદલાતા માહોલમાં ભારતીય ગ્રાહકોની પોતાના મોંઘા ફોનને સુરક્ષિત રાખવાની વિચારસરણી ઝડપથી બદલાઈ રહી છે. ડિવાઇસ લાઇફસાયકલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ 'સર્વિફાય' (Servify) ના રિપોર્ટ મુજબ, મિડ-લેવલ ફોનની સરખામણીમાં પ્રીમિયમ સ્માર્ટફોન સાથે વીમો (પ્રોટેક્શન પ્લાન) ખરીદવાનું પ્રમાણ ૩૦ થી ૪૦ ટકા જેટલું વધી ગયું છે.
સર્વિફાયના સ્થાપક અને સીઈઓ શ્રીવત્સ પ્રભાકરે જણાવ્યું હતું કે, ગ્રાહકો હવે એક જ ફોન લાંબા સમય સુધી વાપરે છે. જ્યારે કોઈ યુઝર આઈફોન કે કોઈ પ્રીમિયમ ડિવાઈસ ૩ વર્ષથી વધુ સમય સુધી વાપરે છે, ત્યારે તેની કંપની વોરંટી પૂરી થઈ જાય છે. પરંતુ તે જ સમયગાળામાં અકસ્માતે ફોન પટકાવો, ડિસ્પ્લે તૂટવી, બેટરીનો ઘસારો કે હાર્ડવેર ખામી જેવા જોખમો સૌથી વધુ વધી જાય છે.
આઈફોનના રિપેરિંગ ખર્ચ સામે વીમો બન્યો મજબૂત ઢાલ
આજના સમયમાં હાઈ-એન્ડ સ્માર્ટફોનની કિંમતો રૂ. ૪.૫ લાખની આસપાસ પહોંચી રહી છે, ત્યારે કોઈ પણ અકસ્માત કે નુકસાન વખતે નવો ફોન ખરીદવો કે તેનો રિપેરિંગ ખર્ચ ઉઠાવવો ખિસ્સા પર ભારે પડે છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર, વર્ષ ૨૦૨૬ માં વૈશ્વિક સ્માર્ટફોનના સરેરાશ વેચાણ ભાવમાં ૬.૯ ટકાનો વાર્ષિક વધારો થવાનો અંદાજ છે. વિશ્વભરમાં બની રહેલા AI ડેટા સેન્ટર્સને કારણે SK Hynix અને Samsung જેવી દિગ્ગજ કંપનીઓની DRAM અને મેમરી ચિપ્સની માંગ ખૂબ વધી ગઈ છે, જેથી સ્માર્ટફોન નિર્માતાઓને પાર્ટ્સ મોંઘા પડી રહ્યા છે.
નથિંગ (Nothing) ના સહ-સ્થાપક કાર્લ પેઈએ પણ ચેતવણી આપી છે કે મેમરી પ્રોસેસિંગના ખર્ચમાં ૩ ગણો વધારો થયો છે. આગામી દિવસોમાં મોબાઈલ બ્રાન્ડ્સે કાં તો ફોનની કિંમતોમાં ૩૦% નો વધારો કરવો પડશે અથવા ફીચર્સ ઘટાડવા પડશે. આવી સ્થિતિમાં, ભારતીય બજારમાં સ્માર્ટફોન ખરીદતી વખતે મોબાઈલ ઈન્સ્યોરન્સ કે એક્સટેન્ડેડ પ્રોટેક્શન પ્લાન લેવો એ હવે માત્ર એક 'ઓપ્શનલ સુવિધા' મટીને એક અનિવાર્ય જરૂરિયાત બની રહ્યો છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
