News of Saturday, 12th September 2026
ભારત મંડપમ ખાતે પીએમ મોદી અને શી જિનપિંગનું ઉષ્માભર્યું મિલન: રામેશ્વરમ મંદિરના ભવ્ય કોરિડોરની સ્થાપત્ય કળા જોઈ ચીની રાષ્ટ્રપતિ અભિભૂત
સાત વર્ષ પછી ભારત આગમન પર વડાપ્રધાને મુસ્કુરાહટ સાથે હાથ મિલાવી કર્યું સ્વાગત: બ્રિક્સ ૨૦૨૬ના પૃષ્ઠભૂમિમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો કૂટનીતિક પરચો

નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ૧૮મી બ્રિક્સ સમિટ ૨૦૨૬માં આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું એક અત્યંત સુંદર ચિત્ર સામે આવ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમિટમાં હાજરી આપવા ભારત મંડપમ પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારત આવેલા શી જિનપિંગનો પીએમ મોદીએ સ્મિત સાથે હાથ પકડ્યો હતો અને બંને નેતાઓ આત્મીયતાથી વાતચીત કરતા જોવા મળ્યા હતા.
આ ખાસ મુલાકાત દરમિયાન સ્વાગત પૃષ્ઠભૂમિમાં તમિલનાડુના વિશ્વપ્રસિદ્ધ રામનાથસ્વામી (રામેશ્વરમ) મંદિરના ભવ્ય અને વિશાળ કોરિડોરની પ્રતિકૃતિ રાખવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને ભારતીય સ્થાપત્ય કળા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મહત્વ વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. શી જિનપિંગ પણ પીએમ મોદીની વાતોને અત્યંત રસપૂર્વક સાંભળતા અને સ્થાપત્યની ભવ્યતાને નિહાળતા કેમેરામાં કેદ થયા હતા.
અગાઉ દિલ્હી એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિનું આગમન થતાં જ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું હતું, જ્યાં પરંપરાગત ભારતીય નૃત્ય કલાકારોએ પોતાની પ્રસ્તુતિથી વાતાવરણને સાંસ્કૃતિક રંગે રંગી દીધું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ 'X' પર ટ્વિટ કરીને બહુધ્રુવીય વિશ્વના નિર્માણમાં બ્રિક્સના મહત્વ અને આ રચનાત્મક વાટાઘાટો અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ સાંસ્કૃતિક અને કૂટનીતિક શક્તિપ્રદર્શન બાદ, બંને દેશના નેતાઓ વચ્ચે યોજાનારી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ બેઠકમાં ભારત-ચીન સરહદ (LAC) પર તણાવ ઘટાડવા, વેપાર વધારવા અને રોકાણના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થવાની પૂર્ણ શક્યતા છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
