તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
હોરમુઝની સામુદ્રધુનીમાં જંગ ભીષણ: ઈરાને અમેરિકા સાથેનો 'ઇસ્લામાબાદ મેમોરેન્ડમ' તોડ્યો, મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાથી તણાવ ચરમસીમાએ
કુવૈતના વોટર પ્લાન્ટ અને ઓઈલ ફેસિલિટીને નિશાન બનાવતા ઈરાની હુમલાથી ગભરાટ; જવાબમાં અમેરિકાએ ઈરાનના સૈન્ય લોજિસ્ટિક્સ અને શસ્ત્રોના અડ્ડાઓ પર કર્યા જોરદાર હવાઈ પ્રહારો

તેહરાન/વોશિંગ્ટન: હોરમુઝની સામુદ્રધુનીમાં યુ.એસ. અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેણે અમેરિકા સાથે તાજેતરમાં કરેલા 'ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ' (MoU) હેઠળની તમામ જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓ સ્થગિત કરી દીધી છે. ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રી કાઝેમ ઘરીબાબાદીએ આકરા શબ્દોમાં આરોપ લગાવ્યો છે કે, અમેરિકાએ વારંવાર સમજૂતીનો ભંગ કર્યો છે અને આક્રમક કાર્યવાહી દ્વારા કરારની શરતોને ધોળીને પી ગયા છે, જેના જવાબમાં ઈરાને પણ આ પગલું ભર્યું છે.
હુમલાઓનું કેન્દ્ર બન્યું કુવૈત
આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય એ છે કે આ સંઘર્ષ હવે માત્ર બંને દેશો વચ્ચે સીમિત રહ્યો નથી. ઈરાની હુમલાખોરોએ કુવૈતના મહત્વના નાગરિક માળખાને નિશાન બનાવ્યું છે. કુવૈતના એક મુખ્ય વોટર ડિસેલિનેશન પ્લાન્ટ અને ઓઈલ ફેસિલિટી પર ઈરાની હુમલાને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને પાવર જનરેશન પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. કુવૈત તેના પીવાના પાણી માટે 90 ટકા ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર નિર્ભર હોવાથી આ હુમલાને ત્યાંની સરકારે 'જઘન્ય આક્રમણ' ગણાવી તેની આકરી ટીકા કરી છે અને ઈરાન પર આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાની જવાબી કાર્યવાહી
બીજી તરફ, યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાઓનો સખત જવાબ આપતા ઈરાનના સર્વેલન્સ સાઇટ્સ, લશ્કરી લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભૂગર્ભ શસ્ત્રોના ભંડાર અને મેરીટાઈમ ક્ષમતાઓ પર ઘાતક હવાઈ હુમલા કર્યા છે. ઈરાની સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં અમેરિકાના હુમલાઓમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ગઈકાલે એક પુલ પર થયેલા હુમલામાં આઠ નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનો અહેવાલ છે.
વચગાળાના યુદ્ધવિરામ નિષ્ફળ ગયા બાદ હોરમુઝની સામુદ્રધુનીમાં બંને દેશો વચ્ચેની આ લડાઈ વધુ ઉગ્ર બની રહી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે સુરક્ષા અને ઊર્જા પુરવઠા સામે મોટું સંકટ ઊભું થયું છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
