<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

યુદ્ધ હવે ખતમ થવા જઈ રહ્યું છેઃ ગેસ-તેલના ભાવ ઘટશે

અમેરિકી રાષ્ટ્રપતિએ એવી વાત કહી છે, જેનાથી સમગ્ર દુનિયાને રાહત

વોશિંગ્‍ટન,તા.૨૯: મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન યુદ્ધને લઈને મોટું એલાન કરતાં કહ્યું કે યુદ્ધ ટૂંક સમયમાં ખતમ થઈ શકે છે અને અમેરિકાને તેમાં જીત પણ મળી શકે છે. તેમણે એમ પણ દાવો કર્યો કે યુદ્ધ સમાપ્ત થયા બાદ અમેરિકામાં મોંઘવારી ઝડપથી ઘટશે અને પેટ્રોલ તથા ગેસના ભાવમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે. ટ્રમ્‍પે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે અમેરિકાના અધિકારીઓ યુદ્ધ ખતમ કરવા માટે મધ્‍યસ્‍થીઓના સંપર્કમાં છે.

જોકે, તેમણે આ વાતચીત સાથે જોડાયેલી કોઈ વિગતવાર માહિતી આપી નથી. ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યું કે તેમના મતે યુદ્ધ બહુ જલ્‍દી સમાપ્ત થઈ શકે છે. તેમણે એ પણ સંકેત આપ્‍યો કે નવેમ્‍બરમાં યોજાનારી મધ્‍યસત્ર ચૂંટણી પહેલાં ઈરાન વિરુદ્ધ અમેરિકા તરફથી વધુ સૈન્‍ય કાર્યવાહી થવાની શક્‍યતા છે. ટ્રમ્‍પ આ મામલે ખૂબ આત્‍મવિશ્વાસમાં છે, પરંતુ ઈરાન તરફથી અત્‍યાર સુધી કંઈ સ્‍પષ્ટ કહેવામાં આવ્‍યું નથી.

ટ્રમ્‍પે મોંઘવારીને લઈને પણ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે યુદ્ધ સમાપ્ત થતાં જ અમેરિકામાં મોંઘવારી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. તેમણે એમ પણ અનુમાન વ્‍યક્‍ત કર્યું કે યુદ્ધ બાદ ગેસ અને પેટ્રોલના ભાવ ઝડપથી ઘટી શકે છે. ટ્રમ્‍પે ઈરાન વિરુદ્ધ સૈન્‍ય કાર્યવાહી કરવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે તેમનો ઉદ્દેશ્‍ય એક મોટા ખતરાને રોકવાનો હતો. તેમના જણાવ્‍યા અનુસાર, જો અમેરિકાએ કાર્યવાહી ન કરી હોત તો ઇઝરાયેલ અને સમગ્ર મધ્‍ય પૂર્વ માટે ગંભીર સ્‍થિતિ ઊભી થઈ શકતી હતી અને ત્‍યારબાદ અમેરિકા તથા યુરોપને પણ મિસાઇલ અને બોમ્‍બ હુમલાનો સામનો કરવો પડી શક્‍યો હોત.

યુદ્ધ ખતમ કરવા માટેના રાજદ્વારી પ્રયાસોને લઈને હજુ સ્‍થિતિ સ્‍પષ્ટ નથી. ગયા અઠવાડિયે અમેરિકા અને ઈરાનના અધિકારીઓ વચ્‍ચે ન્‍યૂયોર્કમાં પરોક્ષ વાતચીત થઈ હતી. કતારે આ વાતચીતમાં મધ્‍યસ્‍થીની ભૂમિકા ભજવી હતી. ઈરાનના વિદેશ મંત્રી અબ્‍બાસ અરાગચીની પણ કતારના મધ્‍યસ્‍થીઓ સાથે મુલાકાત પ્રસ્‍તાવિત હતી. જોકે, ઈરાનના સરકારી મીડિયા અનુસાર, તેહરાન અને વોશિગ્‍ટન વચ્‍ચે હાલ આગળની કોઈ વાતચીત નક્કી કરવામાં આવી નથી.

આ દરમિયાન ટ્રમ્‍પે એવા અહેવાલોને પણ ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે અમેરિકા ઈરાનને પ્રતિબંધોમાં રાહત અને તેની ફ્રીઝ કરવામાં આવેલી રકમ પરત કરવાની ઓફર કરી શકે છે. ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર આવા અહેવાલોને ખોટા ગણાવ્‍યા અને કહ્યું કે તેમણે ઈરાનને કોઈ પ્રસ્‍તાવ આપ્‍યો નથી.

(10:46 AM IST)