તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
બંગાળમાં આરપારની જંગ: મમતા બેનર્જી રસ્તા પર ઉતરશે : સુવેન્દુ સરકાર સામે TMCનું મહા-આંદોલન
અભિષેક બેનર્જી પરના હુમલા અને સરકારી તપાસના ગાળિયા વચ્ચે દીદીનો માસ્ટરસ્ટ્રોક

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં સત્તા પરિવર્તન બાદ હવે સંઘર્ષની જ્વાળાઓ પ્રચંડ બની છે. તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાએ રાજ્યમાં વિસ્ફોટક સ્થિતિ સર્જી છે. આ હુમલાઓના વિરોધમાં અને સુવેન્દુ અધિકારી સરકારની નીતિઓ સામે મમતા બેનર્જીએ ખુલ્લી જંગની જાહેરાત કરી છે. 1 જૂને રાજ્યવ્યાપી રેલીઓ બાદ 2 જૂને મમતા બેનર્જી પોતે કોલકાતાના રાણી રાશ્મોણી રોડ પર ધરણા પર બેસશે. પક્ષ માટે આ લડાઈ હવે અસ્તિત્વ બચાવવા સમાન બની ગઈ છે.
TMC અત્યારે બેવડા સંકટનો સામનો કરી રહી છે. એક તરફ જનતાનો રોષ રસ્તા પર દેખાઈ રહ્યો છે, તો બીજી તરફ પક્ષની અંદર જ મૌન બળવો ફાટી નીકળ્યો હોય તેવું જણાય છે. રવિવારે મમતા બેનર્જીએ બોલાવેલી ધારાસભ્યોની સમીક્ષા બેઠકમાં અડધાથી વધુ ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સુવેન્દુ સરકાર દ્વારા જૂના કૌભાંડો અને 'કટ-મની' વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી તપાસના ડરથી અનેક નેતાઓ હવે દીદીના આદેશોથી દૂરી બનાવી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
આંતરિક ખટપટ છતાં TMC હાઈકમાન્ડ પીછેહઠ કરવા તૈયાર નથી. સોમવારથી શરૂ થનારું આંદોલન દરેક વોર્ડ અને બ્લોક સ્તર સુધી લઈ જવામાં આવશે. પાર્ટીનું કહેવું છે કે સુવેન્દુ સરકાર તપાસના નામે રાજકીય બદલો લઈ રહી છે. 2 જૂનનો વિરોધ પ્રદર્શન બંગાળના રાજકારણમાં નિર્ણાયક વળાંક લાવી શકે છે, કારણ કે હાર બાદ મમતા બેનર્જી પ્રથમ વખત આટલા મોટા સ્તરે જનતાની વચ્ચે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
