<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

મિત્રની પત્‍ની સાથે લગ્ન કરવા માગતો હતોઃ ૨ લાખની સોપારી આપી રસ્‍તામાંથી હટાવી દીધો

સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા, નાણાકીય લેવડદેવડ અને આરોપીઓ સાથે પૂછપરછના આધારે કથિત કાવતરાનો ખુલાસો થયો

નવી દિલ્‍હી,તા.૧૯: ઉત્તર પૂર્વીદિલ્‍હીના સોનિયા વિહાર વિસ્‍તારમાં ૩૪ વર્ષીય મનીષ યાદવની હત્‍યાના મામલામાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે, જ્‍યારે બે સગીરની અટકાયત કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે હત્‍યાનું કાવતરું એક એવા વ્‍યક્‍તિએ રચ્‍યું હતું, જે મનીષની પત્‍ની સાથે લગ્ન કરવા માગતો હતો. આરોપ છે કે તેણે હત્‍યાને અંજામ આપવા માટે બે સગીરને બે લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, મનીષ યાદવની ૧૩ ઓક્‍ટોબરના રોજ સોનિયા વિહારના ૪.૫ પુશ્‍તા વિસ્‍તાર નજીક ગોળી મારીને હત્‍યા કરી નાખી હતી. આ મામલાની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેક્રિકલ પુરાવા, નાણાકીય લેવડદેવડ અને આરોપીઓ સાથે પૂછપરછના આધારે કથિત કાવતરાનો ખુલાસો થયો છે. પોલીસે મુખ્‍ય આરોપીની ઓળખ ઉમેશ મૌર્ય તરીકે કરી છે. કહેવાય છે કે મૌર્ય મનીષ અને તેની પત્‍નીને પહેલાથી જાણતો હતો. તેનું પોતાના લગ્નજીવનમાં તણાવ હતો અને છૂટાછેડાની અરજી કોર્ટમાં પેન્‍ડિંગ હતી. પોલીસનો દાવો છે કે, મૌર્ય મનીષની પત્‍ની સાથે લગ્ન કરવા માગતો હતો અને આ કારણથી તેણે મનીષને રસ્‍તામાંથી હટાવવાનો પ્‍લાન બનાવ્‍યો હતો. તપાસકર્તા અનુસાર, મૌર્યે પોતાના સહયોગી વિવેક સિહ સાથે મળીને કથિત રીતે બે સગીરને હત્‍યા માટે તૈયાર કર્યા હતા. આ મામલામાં આનંદ, નિતિન ઉર્ફે નરેન્‍દ્ર અને ભીમ સિહને પણ આરોપી બનાવ્‍યા છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ૧૩ ઓક્‍ટોબરની રાતે લગભગ ૯.૧૦ કલાકે સોનિયા વિહાર પોલીસમાં પીસીઆર કોલ મળ્‍યો કે ૪.૫ પુશ્‍તા વિસ્‍તારમાં એક વ્‍યક્‍તિને ગોળી મારી દીધી છે. પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી તો જાણવા મળ્‍યું કે, સિવિલ લાઈન્‍સ સ્‍થિત સુશ્રુત ટ્રોમા સેન્‍ટરમાં લઈ જવામાં આવ્‍યા છે, જ્‍યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. શરૂઆતમાં વિવેક સિહે પોલીસને જણાવ્‍યું કે, બાઈક સવાર બે લોકોએ મનીષના માથામાં ગોળી મારી હતી. તપાસ દરમિયાન તેમના નિવેદનમાં વિસંગતિ જોવા મળી હતી. પોલીસનો આરોપ છે કે ગોળીબાર કરતા પહેલા ઉમેશ મૌર્યે મનીષને ઘટનાસ્‍થળે બોલાવ્‍યો હતો. ત્‍યાર બાદ તપાસમાં મૌર્ય, વિવેક સિહ, આનંદ અને તેના સહયોગીઓ વચ્‍ચે કથિત કાવતરાની જાણ થઈ.પહેલાં પણ હત્‍યાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો

પોલીસના જણાવ્‍યા અનુસાર, હત્‍યાના કાવતરાને ૧૦ ઑક્‍ટોબરે પણ અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. તે દિવસે મૌર્ય મનીષને રોહિણીથી સોનિયા વિહાર લઈ જવા ગયો હતો, જ્‍યારે એક સગીર ૪.૫ પુશ્‍તા વિસ્‍તાર પાસે રાહ જોઈ રહ્યો હતો. જોકે, મનીષે ઘરે પાછા ફરવાનો ઇનકાર કરતાં હત્‍યાનું કાવતરું સફળ થઈ શક્‍યું નહોતું.

૧૩ ઑક્‍ટોબરે મૌર્યએ ફરી મનીષનો સંપર્ક કર્યો અને તેના લોકેશન વિશે માહિતી મેળવી. પોલીસના જણાવ્‍યા અનુસાર, તે સમયે મનીષ તેની બહેનની પરીક્ષાના કામસર નોઈડા ગયો હતો. આરોપ છે કે મૌર્ય, વિવેક અને આનંદ ૪.૫ પુશ્‍તા વિસ્‍તાર પાસે રાહ જોઈ રહ્યા હતા, જ્‍યારે બંને સગીર બાઇક પર આસપાસ હાજર હતા. મનીષ ત્‍યાં પહોંચે ત્‍યારે કથિત હુમલાખોરોને સંકેત આપવાની જવાબદારી આનંદને સોંપવામાં આવી હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, મનીષને ઘરની બહાર બોલાવવા માટે મૌર્યએ તેની પાસેથી અગાઉ લીધેલા એક હજાર રૂપિયા પરત માગ્‍યા હતા. આ માટે તેણે મનીષને UPI દ્વારા ૧૦૦ રૂપિયા મોકલ્‍યા અને બાકીની રકમ રોકડમાં પરત આપવા કહ્યું હતું.

પોલીસનો આરોપ છે કે જ્‍યારે મનીષ પૈસા પરત આપવા માટે ઘરની બહાર આવ્‍યો, ત્‍યારે બંને સગીરોએ તેના માથાની બાજુમાં, કાનપટ્ટી પાસે ગોળી મારી હતી. ગોળી વાગ્‍યા બાદ મૌર્યએ કથિત રીતે મનીષને તેના ઘર તરફ લઈ જવામાં મદદ કરી હતી. ત્‍યારબાદ પડોશીઓ તેને હોસ્‍પિટલ લઈ ગયા હતા, જ્‍યાં તેનું મૃત્‍યુ થયું હતું. ઘટના બાદ બાઇકને યમુના ખાદરના રિઝ વિસ્‍તારમાં છોડી દેવામાં આવી હતી અને કથિત રીતે હથિયાર વિવેક સિહને પાછું સોંપવામાં આવ્‍યું હતું

(10:19 AM IST)