News of Wednesday, 8th July 2026
વોલમાર્ટે મોંઘવારીથી પરેશાન અમેરિકન્સને આપી મોટી રાહત
ચીજવસ્તુઓના ભાવોમાં ૧૫ ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાતઃ ટ્રમ્પે તેનો જશ ખાટવાનો પ્રયાસ કર્યો

ન્યૂયોર્ક તા.૮: ઈરાન વોરને કારણે મોંઘવારીથી પરેશાન થઈ ગયેલા અમેરિકન્સને વોલમાર્ટે અનેક પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી મોટી રાહત આપી છે. કંપનીએ સોમવારે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે તે ડ્રીંકસ, પુલ્સ, ટોય્ઝ, ગ્રીલ્સ, સમર ક્લોધિગ અને બીફ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. કોર્ન, રેડ ચેરી, આઈસ ક્રીમ, પોટેટો ચિપ્સ અને કોકાકોલા તેમજ પેપ્સી પ્રોડક્ટ્સમાં ભાવવધારો લાગુ થશે.
વોલમાર્ટે ભાવઘટાડાની જાહેરાત કરતા જ ડોનલ્ડ ટ્રમ્પે તેનો જશ ખાટવાનો પ્રયાસ કરતા ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે અમેરિકાની સૌથી મોટી રિટેલ કંપની પોતાની સરકારના કહેવા પર દેશના ૨૫૦મા સ્વતંત્રતા દિને ભાવોમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. જોકે, ટ્રમ્પ પહેલા વોલમાર્ટે જ આ અંગેની પ્રેસ રિલિઝ ઈશ્યૂ કરી હતી જેમાં ટ્રમ્પ કે પછી તેમની સરકારની વિનંતીનો કોઈ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. વોલમાર્ટ બાદ અમેરિકાના અન્ય રિટેલર્સ પણ આગામી દિવસોમાં આ ટ્રેન્ડને અનુસરે તેવી શક્યતા છે.
વોલમાર્ટના ચીફ મર્ચન્ટ જુલી બાર્બરે એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે કંપનીએ સમર સીઝનમાં પ્રાઈસમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે જેના ભાગરૂપે ખાવાપીવા સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવમાં મહત્તમ ૧૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવશે. અમેરિકામાં અમુક ગ્રોસરી સ્ટોર ચેઈન્સ ગ્રાહકોને આકર્ષવા માટે સિલેક્ટેડ આઈટમ્સના ભાવમાં ઘટાડો કરી રહી છે. જૂનમાં ક્રોગરે પોતાના ઈન્વેસ્ટર્સને જણાવ્યું હતું કે બિઝનેસ વધારવા માટે કંપની અમુક વસ્તુઓ પર પ્રાઈસ ટેસ્ટ કરી રહી છે.
હવે જ્યારે વોલમાર્ટે ફાઈનલી ભાવઘટાડાની જાહેરાત કરી દીધી છે ત્યારે ટ્રમ્પ તેની ક્રેડિટ લેવા મથી રહ્યા છે કારણકે તેમની ટેરિફ પોલિસીને કારણે જ અમેરિકામાં ઈન્ફલેશન વધ્યું હતું અને ટેરિફનો બોજ લોકોના માથે આવ્યો હતો, ટેરિફ રદ થયા તેવામાં ટ્રમ્પે ઈરાન વોર શરૂ કરતાં મોંઘવારીમાં મોટો ભડકો થયો હતો. જોકે, હવે સ્થિતિ સામાન્ય બની રહી છે અને મિડટર્મ ઈલેક્શન પણ નજીક આવી રહ્યા છે તેવામાં મોંઘવારીમાં થનારા સંભવિત ઘટાડાનો જશ જો પોતાને મળે તો મોટો પોલિટકલ ફાયદો થઈ શકે તેવી ટ્રમ્પની ગણતરી છે. કારણકે, અમેરિકામાં મોંઘવારી હાલ એટલો સળગતો મુદ્દો છે કે લોકોમાં સરકાર સામે સખ્ત નારાજગી જોવા મળી રહી છે, ટ્રમ્પનું ઘટતું અપ્રુવલ રેટિગ પણ તેનો પુરાવો આપી રહ્યું છે અને ખાસ તો ગ્રોસરીના ભાવ વધતા અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સ પણ પરેશાન છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
