હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM

વૃંદાવન,તા.૦૧: વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં શિષ્ય દીપક લોધીના રહસ્યમય મોત બાદ વિવાદ વકર્યો છે. ૨૫ સપ્ટેમ્બરે ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કર્યા બાદ, આશ્રમ પ્રશાસને નિયમોમાં ફેરફાર કર્યા છે શિષ્યો માટે કુર્તા-પાયજામા ફરજિયાત બનાવાયા છે અને સફેદ વષો ફક્ત મુખ્ય સેવકો જ પહેરી શકશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના નિશાન મળતાં સંત સમાજમાં રોષ છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરાઈ છે.
વૃંદાવનમાં પૂજ્ય પ્રેમાનંદ મહારાજના શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ સાથે જોડાયેલા શિષ્ય દીપક લોધીના રહસ્યમય મોતના મામલે વિવાદ સતત વધી રહ્યો છે. આ ગંભીર ઘટના બાદ આશ્રમ વહીવટીતંત્રે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સત્તાવાર સૂચના જાહેર કરીને શિષ્યો માટેના નિયમોમાં તાત્કાલિક અસરથી કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ સાથે શિષ્યોના પહેરવેશ માટે પણ ખૂબ જ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક લોધી ઉર્ફે રસિક શરણ દુલારીએ ૨૫ સપ્ટેમ્બરના રોજ ગુરુ કૃપા કુંજ આશ્રમના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
આશ્રમ મેનેજમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, જે શિષ્યો વિરક્ત છે અથવા ગૃહસ્થ જીવન જીવે છે અને લારી કે દુકાન ચલાવવા જેવા કોઈપણ વેપાર કે વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે હવે સામાન્ય કપડાં અથવા કુર્તા-પાયજામા જ પહેરવાના રહેશે. આવા તમામ શિષ્યોને આશ્રમના ઓળખ સમાન સફેદ વષો ન પહેરવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે શિષ્યો ગૃહસ્થ છે અને પૂજ્ય મહારાજજીના કેલી કુંજની સેવામાં જોડાયેલા છે, તેમના માટે પણ સામાન્ય કુર્તા-પાયજામા પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આશ્રમ પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે હવેથી સફેદ વસ્ત્રો પહેરવાની મંજૂરી માત્ર એવા જ સભ્યોને મળશે જેઓ સીધા પૂજ્ય પ્રેમાનંદ મહારાજની અંગત સેવામાં અથવા તો કેલી કુંજ આશ્રમની આંતરિક વ્યવસ્થા અને મુખ્ય સેવા કાર્યોમાં જોડાયેલા છે. આશ્રમે જણાવ્યું છે કે હવે જે કોઈ પણ ભક્તો કે મુલાકાતીઓ કેલી કુંજ આવશે, તેમને વેશભૂષા સાથે જોડાયેલો આ મોટો ફેરફાર સ્પષ્ટપણે જોવા મળશે. આશ્રમમાં યુવાન સાધુના અકાળે થયેલા મોત બાદ સર્જાયેલા વિવાદને જોતાં આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે અને દરેક શિષ્યે તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
શિષ્ય દીપક લોધીના મોત બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન સામે આવ્યા હતા. આ ખુલાસા બાદ આશ્રમની કાર્યપદ્ધતિ અને ત્યાં રહેતા શિષ્યોની ખરી ઓળખ અંગે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આશ્રમ પ્રબંધન દ્વારા નિયમોમાં તાત્કાલિક સુધારા કરવામાં આવ્યા છે. બીજી તરફ, સમગ્ર ઘટના બાદ પ્રેમાનંદ મહારાજના આશ્રમમાંથી કોઈ પણ જવાબદાર વ્યક્તિ કેમેરા સામે આવીને સત્તાવાર નિવેદન આપવા તૈયાર નથી.
વૃંદાવનમાં બનેલી આ રહસ્યમય ઘટના બાદ સમગ્ર સંત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં પરિક્રમા માર્ગ પર આવેલા લલિત કુંજ આશ્રમમાં ધર્મ રક્ષા સંઘના નેજા હેઠળ સાધુ-સંતોની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સંતોએ એકસૂરે યુવાન સાધુના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠાવી હતી. આ બેઠકમાં મહંત ગંગાદાસજી મહારાજે જણાવ્યું હતું કે યુવાન સાધુ સાથે આતંકવાદીઓ જેવો અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આ કૃત્ય કોઈ સારા માણસનું નથી પરંતુ આતંકવાદી માનસિકતા ધરાવતા લોકોનું જ કામ છે, તેથી આ ઘટના માટે જવાબદાર તમામ શખ્સો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM